Clinic 1: LP Savani Main Road Adajan Gam, Surat
Clinic 2: Makkai Pool, Nanpura, Surat

કોરોનાની રસી આપણા સુધી આવતા કદાચ આખો 2021 પણ નીકળી જાય. આવા વખતે તેની સાથે જીવવાનું શીખ્યા વગર કોઈ છૂટકો નથી. આપણી જીવનશૈલી તથા હેલ્થકેર ક્ષેત્રે ઘણા બદલાવ આવ્યા છે. આજે હૂં આપને ડેન્ટિસ્ટ્રીમાં આવેલા તમામ બદલાવ તથા ન્યૂ નોર્મલથી માહેતગાર કરીશ.

1) ક્યાં સુધી ડેન્ટિસ્ટને ત્યાં જવાનું તાળું? શું આવા સમયે ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ?

હા, કેમ નહિ? રસીની રાહ જોઈને બેસી રેહશો તો કદાચ દાંતના ચેપના લીધે પણ હોસ્પિટલમાં દાખલ થવાના વારો આવી શકે. તેથી સરકાર તથા ડેન્ટલ એસોસિએશન દ્વારા જાહેર કરાયેલી સલામતી માર્ગદર્શિકાનું પાલન કરો. સૌ પ્રથમ ક્લિનિક પર ફોન કરી આપની તકલીફ જણાવો. મોટેભાગે રોગના લક્ષણો જોવા જરૂરી હોવાથી, જોખમોનું અવલોકન કર્યા પછી, તબીબ આપને એક ચોક્કસ સમયે તેમના ક્લિનિકે બોલાવશે. જરૂર જણાય તો તેઓ આપને તપાસ્યા પહેલા માત્ર ફરિયાદના આધારે કેટલાક એક્સરે કે પછી લોહીના રિપોર્ટ કરાવવા પણ કહી શકે છે. અહીંયા તેઓનો હેતુ ખોટા રિપોર્ટ કરી પૈસા બગાડવાનો નહિ પરંતુ આપની ક્લિનિકની મુલાકાત ઘટાડી ચેપ લાગવાથી બચાવવાનો છે.

2) દર્દીને ક્લિનિકમાંથી ચેપ ન લાગે એ માટે એક ડેન્ટલ ક્લિનિકમાં શું કાળજી લેવાય છે?

  • લોકો ભેગા ન થઇ જાય એ માટે ક્લિનિકમાં માત્ર અપોઈન્ટમેન્ટ દ્વારા એક નિર્ધારિત સમયે જ દર્દીને તપાસવામાં આવશે.
  • આપના આગમન પર પ્રથમ આપનું આરોગ્ય તપાસી, હાથ સૅનેટાઇઝ કરાવી આપના શરીરનું તાપમાન તથા ઓક્સિજનની માત્રા નોંધશે. બધી વિગતો નોંધ્યા પછી તેમને મોઢું, માથું તથા પગને ઢાંકવા માટે ડિસ્પોઝેબલ કવર આપવામાં આવશે.
  • તપાસતા પહેલા આપને જંતુનાશક દવાઓથી કોગળા કરાવવામાં આવશે.
  • ચેકઅપના દરેક સાધનોને જંતુરહિત કરવા માટે ઓટોક્લેવ કરવામાં આવે છે.
  • તબીબ આપને પીપીઈ કીટ, ગ્લોવઝ, N95 માસ્ક તથા ફેસ શિલ્ડ પહેરીને તપાસે તે જરૂરી છે.
  • દરેક એપોઇન્ટમેન્ટ પછી રૂમને સૅનેટાઇઝ કરવામાં આવે છે.
  • મોટાભાગે ક્લિનિક બનાવતી વખતે જ હવાના આવનજાવનનું ખાસ ધ્યાન રાખી બારીઓ મુકાવવામાં આવતી હોય છે. પરંતુ ઘણાખરા બંધિયાર ક્લિનિકમાં તમને એર પ્યુરિફાયર જોવા મળે તો નવાઈ નહિ.

3) શું દાંતની તપાસ તથા સારવારની ફીમાં વધારો થયો છે?

પ્રાઇવેટ ડેન્ટલ ક્લિનિક એક સ્વખર્ચે ચાલતી સંસ્થા છે જેને ઉપર જણાવેલ તમામ બદલાવો લાવવા પાછળ પુષ્કળ ખર્ચો થાય છે. સ્વાભાવિક છે કે આપની સુરક્ષા માટે થતા ખર્ચનો આંશિક બોજો આપની સારવાર પર આવશે. આ સાથે ડેન્ટિસ્ટ્રીમાં વપરાતા મોટેભાગના સાધનો અને મટીરીઅલ વિદેશથી આવતા હોવાથી કોરોનાની વૈશ્વિક બજાર પર પડેલી અસરનો ભાર પણ સારવાર પર આવી શકે છે. અંદાજે આ વધારો 15 થી 35% જેટલો હોય શકે.

4) એક ક્લિનિક દ્વારા દર્દી પાસે રખાતી અપેક્ષાઓ-

ક્લિનિક પહોંચી કેટલાક નવા બદ્લાવોને અનુસરવા સજ્જ રહો અને તેમને સહકાર આપશો એવી વિનંતી.

  • આપના મૌખિક આરોગ્યની શરૂઆત ઘરેથી જ થાય છે. વારંવાર હાથ ધોવા, દિવસમાં 2 વાર બ્રશ તથા જીભને સાફ કરો.
  • ક્લિનિક આવતા પહેલા ગરમ પાણીમાં અજમો નાખી નાસ લો તથા મીઠાના પાણીના કોગળા કરો.
  • એપોઇન્ટમેન્ટના સમયે અચૂક પહોંચી જશો.
  • જરૂર જણાય તો જ કોઈનો સંગાથ કરવો.
  • તકલીફને લગતી બધી ફાઈલ, એક્સરે તથા લોહીના રિપોર્ટ સાથે રાખો.
  • વેઇટિંગ રૂમમાં માસ્ક પહેરેલો રાખશો તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરશો.
  • ગમે ત્યાં અડવાનું ટાળો.
  • બને તો તબીબની ફી ઓનલાઇન ચૂકવો.
  • ઘરે પાછા ફરી, ગરમ પાણીથી સ્નાન તથા મીઠાના પાણીના કોગળા જરૂરથી કરશો.

કોરોના સામેની લડતમાં આપણે બધા સાથે છીએ. એકબીજાને સહકાર આપીએ અને બધાના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખીએ. હવે આ ન્યુ નોર્મલ મુજબ જ દરેક ક્લિનિકમાં સારવાર મેળવવનો આગ્રહ રાખવો એ આપની પણ જવાબદારી છે. ચલાવશો તો ભોગવવાની તૈયારી પણ રાખવી પડશે. આપની બેજવાબદારી કેટલાક સારા ક્લિનિક દ્વારા ચલાવવામાં ન આવે તો નવાઈ નહિ!