Clinic 1: LP Savani Main Road Adajan Gam, Surat
Clinic 2: Makkai Pool, Nanpura, Surat

"દૂધના દાંત તો પડી જશે એટલે તેની સારવાર કરાવવી કે પછી કાળજી લેવાની જરૂર નથી”- આવી મૂંઝવણ ઘણા માતાપિતાની હોય છે જે એક ગંભીર ગેરસમજ ગણી શકાય. તમારા બાળકના ભાવિ મૌખિક સ્વાસ્થ્ય માટે દુધિયા દાંતની ભૂમિકા વિશેષ છે. બાળકના જન્મ સમયે 20 જેટલા દુધિયા દાંત જડબામાં પહેલાથી હાજર હોય છે. કેટલાક બાળકોમાં જન્મના સમયે નીચેના જબડામાં 2 દાંત ઉગેલા જોવા મળે છે. પરંતુ તે સામાન્ય રીતે 6 મહિનાથી 1 વર્ષની ઉંમર વચ્ચે મોઢામાં દેખાવાનું શરૂ થાય છે અને તેમને 12 વર્ષની ઉંમર સુધી ખાવામાં તથા જબડાનાં વિકાસમાં સહાયક નીવડે છે. સત્ય એ છે કે દુધિયા દાંત બાળકના શારીરિક, ભાવનાત્મક અને સામાજિક વિકાસ માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે.

આ દુધિયા દાંતના મૂળીયાની નીચે ખૂબ જ નજીકમાં 28 જેટલા કાયમી દાંત વિકાસ પામતા હોય છે. સામાન્ય રીતે બધા કાયમી દાંત 6 થી 12 વર્ષની ઉમર સુધીમાં આવી જાય છે. ડાહપણની 4 દાઢ કેટલાક લોકોમાં ઉગે છે (18 થી 24 વર્ષની ઉમર સુધીમાં) તો કેટલાક લોકોમાં તે વિકસતી જ નથી. કુદરતે આપેલો આ બીજો દાંતનો સેટ હવે તમારે આખી જીંદગી ચલાવવાનો હોવાથી જ તેને કાયમી દાંત તરીકે ઓળખાય છે.

જેમ આપણે કાયમી દાંતની સંભાળ લઈએ છીએ તેમ બાળકના દાંતની પણ કાળજી લેવી જોઈએ. તે માટેના 6 કારણો નીચે મુજબના છે.

1) સ્વચ્છતાના અભાવે તથા વધુ પડતા ગળ્યા પદાર્થના સેવનથી બાળકોમાં સાડો ખુબ જ જલ્દીથી લાગે છે. આવા સડાની જો સમયસર સારવાર ન કરવામાં આવે તો તેમાં લાગેલો ચેપ અથવા રસીનો ફોલ્લો નીચે વિકસી રહેલા કાયમી દાંતને પણ નુકસાન પહોંચાડે છે. રીસર્ચમાં એવું જોવા મળ્યું છે કે દુધિયા દાંતમાં વધુ પ્રમાણમાં સડો ધરાવતા બાળકો તેમની પુખ્તાવસ્થામાં કાયમી દાંતમાં પણ વધુ સડો અનુભવે છે.

2) દુધિયા દાંત (20) વચ્ચે પહેલેથી જ કુદરતી રીતે જગ્યા હોય છે જે પાછળથી આવતા 28 કાયમી દાંતને યોગ્ય જગ્યાએ ઉગવામાં માર્ગદર્શક નીવડે છે. હવે જો દુધિયા દાંતમાં સડો થઇ જાય કે પછી સારવારના અભાવે તેને સમય પહેલા કઢાવી નાખવામાં આવે તો આ ખાલી જગ્યામાં બાજુના દાંત સ્થળાંતર કરે છે. આમ થવાથી કાયમી દાંતને ઉગવા માટે જરૂરી જગ્યાના અભાવે તે વાંકાચૂકા ઉગે છે અને કેટલાક બાળકોમાં તે હાડકામાં જ ફસાયેલા પણ જોવા મળે છે. આવો અનિયમિત વિકાસ અને વાંકીચૂકી ગોઠવણી દાંતની સફાઈ વધુ મુશ્કેલ બનાવી દેતી હોવાથી ભવિષ્યમાં વધુ પડતા સડા તથા પાયોરિયા થવાની શક્યતા વધી જાય છે.

3) તદુપરાંત જો સડાની સારવાર ન કરવામાં આવે તો આ ચેપ શરીરના અન્ય ભાગોમાં અને મગજમાં પણ ફેલાય છે. તદ્દન સામાન્ય લગતી તકલીફ બહુ જ ઝડપથી ઇમરજન્સી પરિસ્થિતિમાં બદલાય શકે છે અને બાળકને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે.

4) દુધિયા દાંત વડે તમારું બાળક ખોરાકને યોગ્ય રીતે ચાવવાનું અને સારું પોષણ જાળવવાનું શીખે છે. તે તમારા બાળકના સામાન્ય સ્વાસ્થ્ય અને વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દાંતમાં થતા દુખાવાને કારણે બાળક ખોરાકને યોગ્ય રીતે ચાવી શકતું નથી અને તે શરીરને જરૂરી પોષણમાં પણ ઘટાડો કરે છે.

5) દૂધના દાંત તમારા બાળકને સ્પષ્ટ રીતે બોલવામાં અને યોગ્ય ઉચ્ચારણ શીખવામાં પણ સક્ષમ કરે છે. શબ્દોના ઉચ્ચારણ કરતી વખતે જીભ, હોઠ અને ગાલનો દાંત સાથેનો સમન્વય જરૂરી છે. દાંતની હાજરી અને યોગ્ય ગોઠવણી શબ્દોના ઉચ્ચારણમાં મદદ કરે છે. તદુપરાંત દાંતનું માળખું ચહેરાના સ્નાયુઓને વિકસાવવા માટે પણ ટેકો પૂરો પાડે છે.

6) મોઢાનું સ્વાસ્થ્ય તમારા બાળકમાં હકારાત્મક ભાવના અને સ્વ-છબીને પ્રોત્સાહિત કરશે. ઘણી વખત જોવા મળ્યું છે કે દાંતની તકલીફોના કારણે સતત પીડા અનુભવતું બાળક રમત તથા અભ્યાસમાં ધ્યાન આપી શકતું નથી જે તેનો શારીરિક તથા માનસિક વિકાસ પણ રૂંધે છે.

આ રીતે દુધિયા દાંત તમારા બાળકના સામાન્ય સ્વાસ્થ્ય અને વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રથમ દાંત આવવાની સાથે તમારા બાળકના દાંતની તાપસ કરાવવી જોઈએ. આ સમયે દંત ચિકિત્સક તમને બાળકના દાંતને કેવી રીતે સાફ કરવા અને અંગૂઠો ચૂસવા જેવી આદતોને કેવી રીતે સંચાલિત કરી શકાય તેવી બાબતો પર માર્ગદર્શન આપશે. જો કોઈ બાળક તેમના દુધિયા દાંતની સફાઈ ન જાળવે તો આગળ જતા આ બેકાળજી તેમના કાયમી દાંતમાં વધુ ગંભીર અને ખર્ચાળ તકલીફો તરફ દોરી જશે.