Clinic 1: LP Savani Main Road Adajan Gam, Surat
Clinic 2: Makkai Pool, Nanpura, Surat

કોરોના વાયરસના કારણે આખો દેશ જાણે બંધ જેવો થઇ ગયો છે. માત્ર આવશ્યક જરૂરિયાતની વસ્તુઓ અને સારવાર મળી શકે એમ છે. આવા સંજોગોમાં સામાન્ય નાગરિકને પડતી તકલીફોથી બધા જ વાકેફ છે પરંતુ આપણે એ સમજી શકતા નથી કે લેવાતા દરેક પગલા નાગરિકના હિતમાં જ છે. ઘરે બેસવાથી આપણે ચેપ લાગવાથી તો બચિયે જ છીએ પણ આ સાથે બીજાને ચેપ લગાડવાથી પણ બચી શકાય છે.

આગળના લેખો દ્વારા મેં વારંવાર તમને સમજાવ્યું હશે કે દાંતના ઘણા રોગોમાં દુખાવો થતો નથી અને શરૂઆતના તબક્કામાં સારવાર કરવી ખુબજ ફાયદાકારક નીવડે છે. પરંતુ તબીબ પાસે ફરજીયાત જવું જ પડે ત્યાં સુધી તકલીફોને ખેંચવાની આપણને આદત પડી ગઈ છે! આજે પણ મને તથા મારા તબીબ મિત્રોને દર્દીઓના ફોન આવે છે ને તેઓ સારવાર મેળવવા માટે ઈચ્છે છે. તેઓ જણાવે છે કે; “સાહેબ 10-15 દિવસથી દુખતું હતું અને જાતે પેઇનકિલર પણ લઇ જોઈ પરંતુ કોઈ રાહત ના થઇ એટલે તમને ફોન કર્યો!” આટલી બેકાળજીભર્યું વર્તન શું યોગ્ય છે?

શું આવા સંજોગોમાં દાંતની તકલીફ માટે ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ?

માત્ર દાંતની જ નહિ પણ બીજી કોઈપણ તકલીફ માટે તબીબ પાસે જવાનું હમણાં જો શક્ય હોઈ તો 15 દિવસ ટાળો. તમને થતું હશે કે આવા સંજોગોમાં ડૉક્ટરને પોતાની ફરજથી ભાગવું છે. ના, બિલકુલ નહિ.

તમને દાંતમાં અસહ્ય દુખાવો હોય, રસી થઇ હોઈ, સોજો તથા તાવ આવ્યો હોઈ કે પછી મોઢામાંથી સતત લોહી પડતું હોય તો આવા દર્દીને સારવારની તાત્કાલિક જરૂર છે. પરંતુ જો લાંબા સમયથી દુખાવો હતો ને હમણાં નવરા બેઠા હોવાથી મૌખિક સ્વાસ્થ્યની ચિંતા થાય છે તો મહેરબાની કરી ઘરે બેસીને દેશને કોરોના જેવી મહામારીને નાથવામાં મદદ કરો.

શું તમે જાણો છો કે શા માટે બધા દાંત ના દવાખાના બંધ છે?

- કોરાના વાયરસ નો ફેલાવો આંખ, નાક અને મોઢા વાટે થાય છે. આવા સંજોગોમાં ડેન્ટિસ્ટને મોઢામાં કામ કરવાનું હોવાથી તેમને તથા દર્દી ને ચેપ લાગવાનું જોખમ રહેલું છે. વળી પાછું આ ચેપમાં શરૂઆતમાં લક્ષણો દેખાતા ન હોવાથી એક ચેપીની સારવારથી ઘણાબધા લોકોમાં તે ફેલાય શકે છે.

- રુટ કેનાલ તથા દાંતની સફાઈ જેવી સારવાર દરમિયાન એરોસોલ બનતા હોવાથી હવામાં કોરોનાનો ચેપ ફરતો રહે છે. હવે જો કોઈ દર્દી લાગેલા ચેપથી અજાણ હોઈ ને તેમની સારવાર કરવામાં આવે તો આ કારણે તબીબ તથા તેમના સહાયકો, દર્દી અને તેમના કુટુંબીજનોને ચેપ લાગી શકે છે.

- પર્સનલ પ્રોટેક્શન કીટના અભાવે બધી સારવાર કરવી શક્ય નથી.

- આ ઉપરાંત તબીબોને મળેલી અડવાયસરી મુજબ એવી દાંતની સારવાર કે જેમાં એરોસોલ બનતા હોઈ તે આ તબક્કે શક્ય નથી. તેથી તાત્કાલિક સારવાર માટે આપણા દાંતને કઢાવી નાખવો પડે એવું પણ બને!

એ વાત સાચી છે કે મોટાભાગની દાંતની સારવાર માત્ર દવા દ્વારા શક્ય નથી પરંતુ, દવા દ્વારા તકલીફમાં રાહત આપી થોડોક સમય જરૂરથી ખેંચી શકાય છે. મારી સલાહ છે કે જો તમે દાંત ને લગતી કોઈપણ તકલીફથી પીડાતા હો તો તમારા દંત ચિકિત્સક સાથે વાત કરો. તેમની સલાહ મુજબ દવા લઇ આપ તકલીફોમાં જરૂરથી રાહત અનુભવશો. આવા સંજોગોમાં માત્ર ઇમર્જન્સી સારવાર મળે એજ વ્યાજબી છે. સંયમના અભાવે જો તબીબો જ રોગના શિકાર બન્યા તો આપનું શું થશે એના પર જરા વિચાર કરી જુઓ! મોટા નુકસાનથી બચવા માટે દેશ ને આપના સહકારની આવશ્યકતા છે, ઘરે બેસી સહભાગી થશો એવી આશા!