Clinic 1: LP Savani Main Road Adajan Gam, Surat
Clinic 2: Makkai Pool, Nanpura, Surat

સામાન્ય રીતે બ્રશિંગ અથવા ફ્લોસિંગ વખતે પેઢામાંથી લોહી નીકડે તો આપણે તેનું કારણ કદાચ હાર્ડ બ્રશિંગ સમજી બેસીએ છીએ. આવા સંજોગોમાં આપણે ડોક્ટરને બતાવાના બદલે હળવા હાથે સફાઈ કરવા માંડશું, ખરું ને? હા, પેઢામાંથી લોહી પડવાનું એક કારણ ખૂબ સખત બ્રશ કરવાથી પેઢાને થયેલી ઈજા હોય શકે છે. પરંતુ જો અવારનવાર આવું થતું હોય તો કદાચ આપે ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ કારણ કે કેટલાક કિસ્સાઓમાં પેઢામાંથી લોહી પડવું એ વધુ ગંભીર રોગનું લક્ષણ પણ હોઈ છે.

પેઢાના રક્તસ્રાવના સૌથી મોટા કારણોમાંનું એક -- દાંત પર પ્લાક અને ટાર્ટરનું જમા થવું છે. સામાન્ય રીતે જો મૌખિક સફાઈમાં કોઈ કચાશ રહી જાય તો 24 કલાકમાં ખાદ્ય પદાર્થો દાંત ઉપર કડક થવા માંડે છે જે પાછળથી ટાર્ટરમાં પરિણામે છે. તેને અસંખ્ય જીવાણુઓનું ઘર અને તેમનું રક્ષાકવચ પણ ગણી શકાય. દાંત ઉપર જામેલો આવો કચરો એક વખત કડક થઇ જાય પછી તેને રૂટિન બ્રશિંગથી કાઢવો અશક્ય છે. હવે જો તમે દર વર્ષે ડેન્ટિસ્ટ પાસે દાંતની સફાઈ નથી કરાવતા તો આપની અજાણતામાં તે તમને જીંજીવાઇટિસ તરફ દોરી જશે. જીંજીવાઇટિસ એ પાયોરિયાનો પ્રારંભિક તબક્કો છે જેમાં પેઢા પર સોજા આવવા, તેમનું લાલ થઇ જવું તથા તેમાંથી લોહી પડવા જેવા લક્ષણો જોવા મળે છે.

માસિકના દિવસોમાં તથા ગર્ભાવસ્થામાં હોર્મોન પ્રોજેસ્ટેરોનના વધારાને કારણે પેઢામાં લોહીનો પ્રવાહ વધી જતો હોય છે. આ આંતરસ્ત્રાવીય પરિવર્તન સ્ત્રીઓમાં જીંજીવાઈટીસ પેદા કરતા જીવાણુઓને વધવા માટેનો માર્ગ સરળ બનાવે છે. અડધા જેટલી સગર્ભા સ્ત્રીઓમાં સામાન્ય રીતે 3-6 મહિના દરમિયાન તેના લક્ષણો વધુ તીવ્ર હોય છે. અમેરિકન ડેન્ટલ એસોસિએશનની જર્નલમાં પ્રકાશિત તારણો અનુસાર ગંભીર પેઢાનો રોગ ધરાવતી સગર્ભા સ્ત્રીઓમાં બાળકનો અકાળ જન્મ, ઓછું વજન અને ખૂબ હાઈ બ્લડ પ્રેશર (પ્રિક્લેમ્પસિયા) થવાનું સંભવિત જોખમ તંદુરસ્ત સગર્ભા કરતાં સાત ગણુ વધુ હોય છે. જીંજીવાઇટિસના જોખમને વધારે તેવા અન્ય કારણોમાં ધૂમ્રપાન, માનસિક તાણ, નબળું પોષણ, દવાઓ અને કેટલાક રોગોનો સમાવેશ થાય છે.

શરૂઆતના તબક્કે જીંજીવાઈટીસના લક્ષણો તથા સારવારની અવગણના “પાયોરિયામાં" (પેઢાના રોગના ગંભીર સ્વરૂપ) પરિણામે છે જેને પાછળથી આખી જિંદગી માટે સંચાલિત કરવા સિવાય કોઈ છૂટકો નથી. રોગથી બચવા માટેના નિવારક પગલાં હંમેશા ઉપચાર કરતા વધુ સારા ગણી શકાય! પરંતુ જો રોગ થઇ જ ગયો હોય તો તેના નિદાન અને સમયસર સારવાર કરાવવામાં જ ડાહપણ છે. જીંજીવાઇટિસની સારવાર ખુબજ મહત્વપૂર્ણ ગણી શકાય કારણ કે તે પાયોરિયાને વધતો અટકાવવા સાથે પેઢાને તેમના વાસ્તવિક અને સ્વસ્થ સ્વરૂપમાં પાછા લાવી શકે છે એ વાતની આપ ભારપૂર્વક નોંધ લેશો. સમસ્યાઓથી બચવા માટે ગર્ભાવસ્થાના શરૂઆતમાં અથવા બેબી પ્લાનિંગ (સૌથી ઉત્તમ) પહેલાં જ ડેન્ટલ ચેક-અપ કરાવી જરૂર મુજબની સારવાર લઇ લેશો.

દરરોજ ઘરે 2 વાર દાંત તથા પેઢાની સંપૂર્ણપણે સફાઈ કરવી એ જીંજીવાઇટિસ સામેનું તમારું શ્રેષ્ઠ શસ્ત્ર ગણી શકાય. દર વર્ષે એકવાર ડેન્ટિસ્ટ પાસે “સ્કેલિંગ-દાંતની સફાઈ” કરાવવું એ આપની બેકાળજીને ઢાંકવાનું અને ગંભીર તકલીફોથી બચવાનું બીજું શ્રેષ્ઠ શસ્ત્ર ગણી શકાય. મૌખિક આરોગ્ય જાળવવા માટે આપ ડોક્ટરની સલાહ અનુસાર સારી એન્ટિસેપ્ટિક ટૂથપેસ્ટ તથા સોનિક બ્રશનો ઉપયોગ કરી શકો છો. ડેન્ટલ ફ્લોસ અથવા વોટર ફ્લોસરની મદદથી આપ બે દાંત વચ્ચે ફસાયેલા કણોને સારી રીતે કાઢી શકો છો. જેમને 2 દાંત વચ્ચે જગ્યા હોય તેમના માટે “ઈંટરડેંટલ બ્રશ” ખુબજ ફાયદાકારક નીવડે છે. કઈ પ્રોડક્ટ તમારા માટે વધુ યોગ્ય છે તે જાણવા માટે આપ ફેમિલી ડેન્ટિસ્ટની સલાહ લઇ શકો છો. તમારા પેઢામાંથી થતા રક્તસ્રાવના સચોટ નિદાન તથા સારવાર માટે આપ પેઢાના રોગોના નિષ્ણાંત - પેરિઓડોન્ટિસ્ટને મળી શકો.