Clinic 1: LP Savani Main Road Adajan Gam, Surat
Clinic 2: Makkai Pool, Nanpura, Surat

મોં અને શરીર વચ્ચે ગાઢ સંબંધો છે. તમારું મૌખિક આરોગ્ય તમારા એકંદર સ્વાસ્થ્ય વિશે ઘણીબધી માહિતી છતી કરે છે. મોંમાં થતા રોગો અને સમસ્યાઓ તમારા બાકીના શરીરને પણ અસર કરી શકે છે!!! શરીરના અન્ય અંગોની જેમ, તમારું મોં સારા અને હાનિકારક બેક્ટેરિયાથી ભરેલું હોય છે જે મોટે ભાગે સંતુલનમાં રહેતા હોવાથી હાનિ કરતા નથી. શરીરની રોગપ્રતિકારક ક્ષમતા અને રોજિંદા જીવનમાં લેવાતી મૌખિક આરોગ્યની સંભાળ, જેમ કે બ્રશિંગ અને ફ્લોસિંગ હાનિકારક બેક્ટેરિયાને નિયંત્રણમાં રાખે છે. ઉપરાંત, લાળ ખોરાકને ધોઈ નાખે છે અને મોંમાં રહેલા બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થયેલા એસિડ્સને નિષ્ક્રિય કરે છે. યોગ્ય મૌખિક સ્વચ્છતાનો અભાવ અને લાળના પ્રવાહમાં થતો ઘટાડો દાંતનો સડો તથા પેઢાંનાં રોગનું કારણ ગણી શકાય.

ગ્લોબલ બર્ડન ઑફ ડીસીઝ સ્ટડી 2016 નો અંદાજ છે કે મૌખિક રોગો એ વિશ્વની અડધી વસ્તી (3.58 અબજ) ને અસર કરે છે જેમાં દાંતમાં થતો સડો સૌથી સામાન્ય સ્થિતિ છે. ગંભીર પાયોરિયા (પેરિઓડોન્ટાઇટીસ), જેનાથી દાંત પડી જાય છે, તે વૈશ્વિક સ્તરે 11મો સૌથી વધુ થતો રોગ છે. દાંત ગુમાવવા અને બોખા થઇ જવું એ અપંગતા સાથે જીવ્યાના મુખ્ય 10 કારણોમાંનું એક છે. મોઢાનું કેન્સર તમામ પ્રકારનાં કેન્સરમાં થતું 3જુ સૌથી સામાન્ય કેન્સર છે. ભારત જેવા વિકાસશીલ દેશોમાં આ આંકડા હજી વધુ ભયાનક વાસ્તવિકતા રજૂ કરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નાં અહેવાલ (2010) મુજબ ભારતમાં “90% થી વધુ વસ્તી પેઢાના રોગથી પીડાય છે, ફક્ત 50% ટૂથબ્રશનો ઉપયોગ કરે છે, અને માત્ર 2% દંત ચિકિત્સકની મુલાકાત લે છે”.

પ્રકાશિત અભ્યાસના પુરાવાઓ મુજબ પાયોરિયાની બીમારી સાથે સંકળાયેલા જીવાણું લોહીના પ્રવાહમાં પ્રવેશી શરીરના અન્ય અંગોને ચેપ લગાડે છે જેના કારણે હૃદય તથા રક્તવાહિનીઓમાં સોજા આવવા અને હાર્ટ એટેક તથા સ્ટ્રોક આવવાના જોખમમાં વધારો થાય છે. ગર્ભવતી મહિલાઓમાં પેઢાંનાં રોગને બાળકના અકાળ જન્મ અને ઓછું વજન માટે સંભવિત જોખમ તરીકે વર્ણવવામાં આવે છે. મોં એ તમારા પાચન અને શ્વસન માર્ગનો પ્રવેશદ્વાર છે અને આમાંના કેટલાક સૂક્ષ્મજીવો ન્યુમોનિયા, કોરોના તથા અન્ય શ્વસન સંબંધી રોગ પેદા કરી શકે છે. તાજેતરના કેટલાક અભ્યાસ મુજબ તેને કેન્સર અને સંધિવા માટેનું એક અલગ જોખમકારક પરિબળ માનવામાં આવે છે.

સંશોધન બતાવે છે કે પાયોરિયાથી પીડાતા ડાયાબિટિક દર્દીના લોહીમાં સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે દવાનો વધુ ડોઝ તથા લમ્બો સમય માંગી લે છે. જે રીતે ખોરાકમાં ફેરફાર તથા વજનને ઓછું કરવાથી ડાયાબિટીસ ને કાબુમાં રાખી શકાય છે તેમ નિયમિત પિરિઓડોન્ટલ કેર પણ લોહીમાં સુગરની માત્રને નિયંત્રણમાં રાખવા માટે ખુબ જ મોટો ફાળો ભજવે છે. આ ઉપરાંત ડાયાબિટીઝ, કોરોના અને એચ.આય.વી (એડ્સ) જેવા કેટલાક રોગો ચેપ સામે શરીરના પ્રતિકારશક્તિને ઓછી કરી આરોગ્યની સમસ્યાઓને વધુ તીવ્ર બનાવે છે. મોઢામાં થતો મ્યુકર ફૂગનો ચેપ તથા મોઢાનું કેન્સર માણસના મૃત્યુનું કારણ પણ બને છે. આનાથી વધારે શું સાબિતી આપી શકાય કે મોંઢું એ શરીરનું એક અભિન્ન અંગ જ છે!

ભલે મૌખિક આરોગ્ય અને એકંદર સ્વાસ્થ્ય વચ્ચેની કડી સીધી, પરોક્ષ અથવા સંયોગની હોય શકે; પરંતુ સ્વસ્થ દાંત તથા નિરોગી પેઢા એ તમારા પાચનને જાળવી રાખવા માટેની આવશ્યકતા છે. ખોરાકના પાચનની શરૂઆત મોઢાથી થાય છે જે મૌખિક આરોગ્યને અગ્રતા બનાવવા માટે પૂરતું કારણ છે. પાયોરિયામાં સૂક્ષ્મજીવો ઉધઈની માફક દાંતના આજુબાજુના બંધારણોનો નાશ કરે છે અને જો તેની સારવાર ન કરવામાં આવે તો દાંત પડી જવાથી વ્યક્તિઓના જીવનની ગુણવત્તા પર મોટો નકારાત્મક પ્રભાવ પડે છે. અંતે તે અપચો અને પોષણ સંબંધિત સમસ્યાઓ નું મૂળ કારણ બને છે.

ઉપચાર કરતા રોગોને પહેલેથી અટકાવવામાં જ વધુ સમજદારી છે અને રોગનું કારણ સમજવું એ તેની સામેની લડતમાં અડધી જીત ગણી શકાય. સમસ્યાઓ પ્રત્યેની બેદરકારી માત્ર પીડા અને ખર્ચામાં જ વધારો કરે છે. કુટેવો છોડવી, મૌખિક સ્વચ્છતા જાળવવી અને ઓછામાં ઓછું વર્ષે 1 વખત ડેન્ટિસ્ટની મુલાકાત લેવી એ લાંબા સમય માટે સ્વસ્થ રહેવાની ચાવી છે.