Clinic 1: LP Savani Main Road Adajan Gam, Surat
Clinic 2: Makkai Pool, Nanpura, Surat

અત્યાર સુધી આપની ટૂથબ્રશની ખરીદી તેના બ્રિસ્ટલ્સની પસંદગી - સોફ્ટ, મીડીયમ કે હાર્ડ પર આધારિત હતી. આજે બજારમાં એક સામાન્ય બ્રશથી લઇને અનેક પ્રકારના કિંમતમાં મોંઘા એવા ઇલેક્ટ્રિક બ્રશ પણ મળે છે. પરંતુ શું તમારે આવા પાવર બ્રશ પાછળ પૈસા નાખવા જેવા ખરા? અમેરિકન ડેન્ટલ એસોસિએશનના પ્રવક્તા, કિમ્બર્લી હાર્મ્સ મુજબ, જો તમે સામાન્ય બ્રશનો સચોટ ઉપયોગ કરી શકો તો તે મૌખિક આરોગ્યની જાળવણી માટે પૂરતું છે. બ્રશિંગને યોગ્ય ટેક્નિકથી અને ઓછામાં ઓછી 2 મિનિટ માટે અને દિવસમાં બે વાર કરવાનું હોઈ છે. સામાન્ય રીતે લોકો આપેલ સલાહને અનુસરતા નથી અને આવા લોકોમાં ઇલેક્ટ્રિક બ્રશનો ઉપયોગ ફાયદાકારક ગણી શકાય.

ઇલેક્ટ્રિક બ્રશ વડે ઓછા સમયમાં વધારે વિસ્તારને આવરી શકાતો હોવાથી તમે તેટલા જ સમયમાં દાંતની બધી સપાટીઓ ને વધુ વખત સાફ કરી શકો છો. જ્યારે તમે હાથથી બ્રશ કરો છો, ત્યારે તમે મિનિટ દીઠ આશરે 300 સ્ટ્રોક કરો છો. તેની તુલનામાં ઇલેક્ટ્રિક બ્રશ એક મિનિટમાં હજારો અને કેટલાક કેસોમાં દસ થી વીસ હજાર સ્ટ્રોકથી સફાઈ કરવાની શક્તિ ધરાવે છે. આ રીતે પાવર ટૂથબ્રશ મેન્યુઅલ કરતા તમારા દાંતને સાફ કરવામાં વધુ સારા ગણી શકાય. તાજેતરના એક અધ્યયનમાં બતાવવામાં આવ્યું કે જે લોકોએ તેનો દૈનિક ઉપયોગ કરે છે તેઓમાં ટાર્ટર તથા પેઢાંનાં રોગોનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે.

આ ઉપરાંત તે શારીરિક રીતે અપંગો, વૃદ્ધો, ડાયાબિટીસ તથા સ્ટ્રોક ના દર્દીઓ અને માનસિક રીતે નબળા બાળકો માટે મૌખિક સફાઈ જાળવવાનું શ્રેષ્ઠ સાધન છે. કેટલાક આળસુ બાળકો માટે આવા બ્રશથી દાંતની સફાઈ કરવી એ એક આનંદ અને પ્રોત્સાહન નો વિષય બની રહે છે. જો તમારા દંત ચિકિત્સકને તમારી સફાઈમાં ખામી લાગે તો પણ તેઓ આપને ઇલેક્ટ્રોનિક બ્રશની સલાહ આપી શકે છે. કેટલીક કે વાર ઇમ્પ્લાન્ટ તથા પેઢાની સર્જરી કે પછી બ્રેસિસ ની સારવારના ભાગ રૂપે પણ આપને ઇલેક્ટ્રિક બ્રશ વાપરવાની સલાહ આપવામાં આવે છે. મૂળમાં ઇલેક્ટ્રિક બ્રશનો ઉદેશ્ય સચોટ સફાઈ જાળવી આપને મૌખિક સ્વસ્થતા પ્રદાન કરવાનું હોય છે.

બજારમાં પાવર બ્રશના અનેક પ્રકાર ઉપલબ્ધ છે. કેટલાક બ્રશ બેટરીથી ચાલે છે તો કેટલાક ને ચાર્જ કરવા પડે છે. કેટલાક મોટર સંચાલિત ગોળાકાર પદ્ધતિમાં ફરીને તો બીજા સોનિક કે અલ્ટ્રાસોનિક કંપનો દ્વારા દાંત ને સાફ કરે છે. આજકાલ તો કેટલાક બ્રશ એવા પણ આવે છે જે બ્લુટુથ વડે આપણા મોબાઈલથી ચલાવી શકાય. સામાન્ય રીતે આવા પાવર બ્રશ ની કિંમત 600 થી લઇને 20000 રૂપિયા જેટલી હોય શકે છે. એક ગાડી ખરીદતી વખતે જેટલા ફીચર ઉમેરતા જઈએ તેટલા પૈસા વધે એવું જ કંઈક પાવર બ્રશનું પણ છે.

સામાન્ય રીતે મૌખિક સફાઇને સારી રીતે કરવા માટેનો હેતુ પૂરો કરી શકે તેવા પાવર બ્રશ રૂપિયા 1500/- થી 2000/- ની અંદર મળી જશે. આપના માટે કયું બ્રશ સારું છે તેની સલાહ આપના દંત ચિકિત્સક પાસે અચૂક લેશો. જે રીતે સામાન્ય ટૂથબ્રશને દર 2-3 મહિને બદલવું પડે છે તે રીતે આવા પાવર બ્રશના હેડ્સને પણ બદલવાની જરૂર પડે છે જે 150-200 રૂપિયા જેવી નજીવી કિંમતે શક્ય છે. શરૂઆતમાં આવા બ્રશ થોડા મોંઘા લાગે છે પરંતુ આ ખર્ચો માત્ર એકવારનો છે અને અંતે તે આપના સારવાર પાછળ વપરાતા થોડા પૈસા બચાવી બેવડો ફાયદો કરી આપશે.

યાદ રહે કે માત્ર પાવર બ્રશ ખરીદી લેવાથી મૌખિક આરોગ્ય જળવાતું નથી. જે સામાન્ય બ્રશ ને સારી રીતે વાપરી શકતું હોય તેમના માટે આવા બ્રશની જરૂર પણ નથી અને વધુ મોંઘા બ્રશ વડે જ દાંતની સચોટ સફાઈ થશે એવી ગેરમાન્યતા કેળવશો નહિ. આપણો હેતુ મૌખિક સ્વચ્છતા જાળવવાનું તથા સચોટ રીતે બ્રશિંગ કરવાને પ્રોત્સાહન આપવાનું જ છે. દિવસના અંતે, તમે કયું ટૂથબ્રશ વાપરો છો તેના કરતાં તેનો ઉપયોગ કેવી રીતે કરો છો તે મહત્વનું છે. ખાતરી કરો કે તમે દિવસમાં 2 વાર, ફ્લોરાઇડયુક્ત ટૂથપેસ્ટ વાપરી અને સોફ્ટ બ્રિસ્ટલના બ્રશ વડે સફાઈ કરી રહ્યા છો.