Clinic 1: LP Savani Main Road Adajan Gam, Surat
Clinic 2: Makkai Pool, Nanpura, Surat

કોવીડ -19 હવે લગભગ 10 માસ જૂનો થવા આવ્યો. ધીમે ધીમે આપણે કોરોના સાથે જીવવાનું શીખી રહ્યા છીએ અને “ન્યુ નોર્મલ”ને સર્વસ્વીકૃતિ મળી રહી છે. પ્રવર્તમાન ગાઇડલાઇન્સ મુજબ શક્ય હોય તો ઍરોસોલ બનાવતી દાંતની શસ્ત્રક્રિયા કરવાનું ટાળવું. પરંતુ આવી દુનિયાને અનુલક્ષીને બનાવેલી ગાઇડલાઇન આપણા દેશનાં નાગરિકો માટે કદાચ શક્ય ન પણ બને કારણ કે વિકસિત દેશોમાં “મૌખિક સ્વાસ્થ્ય" બાબતે ઘણી જાગૃતિ છે. તેઓ દર 6 મહિને દંત ચિકિત્સકની મુલાકાત લેતા હોવાથી એમના ત્યાં ડેન્ટલ ઈમરજન્સીના કેસ આપણા દેશના પ્રમાણમાં ખુબ ઓછા જોવા મળે છે. અજ્ઞાનતા, ખેંચાઈ ત્યાં સુધી ચલાવી લેવાની વૃત્તિ તથા પ્રિવેન્ટિવ ચેકઅપની અવગણનાને કારણે આપણા ત્યાં દાંતનો દુખાવો મોટા ભાગે ફરજીયાત પણે સારવાર કરાવવાને યોગ્ય જ હોય છે.

જરા વિચારી જુઓ કે કેમ આપણે સમયસર વાહનની સર્વિસ કરાવીએ છીએ? કદાચ રસ્તામાં અકસ્માત થવાનો ભય સતાવે છે, ખરું ને? કેમ આપણે દર વર્ષે આંખની અચૂક તાપસ કરાવીએ છીએ કારણ કે આપણને દ્રષ્ટિ ગુમાવવાનો ભય છે! પરંતુ આપણા ત્યાં અસહ્ય દુખાવો, સોજો કે પછી પરુ થઇ જાય ત્યારે જ ડેન્ટિસ્ટને બતાવવાનું ચલણ વધુ છે. બેદરકારીભર્યુ આ વલણ લોકડાઉનમાં ઘણા લોકોને ભારે પડયું. એક તરફ દર્દીઓની તકલીફો અને બીજી તરફ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ઍરોસોલ બનાવતી બધી શસ્ત્રક્રિયા બંધ રાખવાની ફરજ પડી હતી. આવા સમયે દાંત બચાવવાનું શક્ય ન હોવાથી તેને કાઢી નાખવા અથવા દર્દને દવા વડે દબાવવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો જ ન હતો!

કમનસીબે મૌખિક આરોગ્યની કિંમત ઓછી આંકવામાં આવે છે, પરંતુ આપની આ ભૂલ પાછળથી અનેક રોગોને નિમંત્રણ આપશે તે વાતથી આપણે અજાણ છીએ. દાઢનાં અભાવે પાચન બગડે અને શરીરને જરૂરી પોષણ ન મળવાથી અંતે શારીરિક, માનસિક તથા સામાજિક સ્તરે તેની બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. દાંત તથા પેઢાને લગતા ઘણા રોગોમાં શરૂઆતમાં દુખાવો થતો નથી. દાંતના દુખાવાને દવા વડે થોડા સમય માટે કદાચ દબાવી શકાય પરંતુ તેને જડમુળમાંથી કાઢવા માટે શસ્ત્રક્રિયા આવશ્યક છે. શરૂઆતમાં દાંતની સારવાર ખુબ જ સરળ અને ઓછી ખર્ચાળ હોય છે પરંતુ આપણી અવગણના જ સારવારને લાંબી, ખર્ચાળ અને વધુ જટીલ બનાવી દે છે.

શું આપણે જીવનશૈલીમાં કાયમી પરિવર્તન લાવવા માટે પહેલા ખાડામાં પડવું જરૂરી છે? ન ભૂલશો કે કુદરતી બનાવટને સાચવવી એ જ નિયમ, જયારે તેનું નવસર્જન એ આપણે બનાવેલો રિવાજ છે. પ્રિવેન્ટિવ દંત ચિકિત્સા એ વિશ્વમાં એક નવું પ્રખ્યાત વલણ છે. શરૂઆતના તબક્કે સમસ્યાઓને વધતી અટકાવવા માટે દર 6 મહિને ડેન્ટલ ચેકઅપ અને વર્ષમાં એકવાર દાંતની સફાઈ કરાવવી સલાહભર્યું છે. દાંત કઢાવ્યાના 2-3 મહિનાની અંદર તેને બેસાડવામાં જ આપનો ફાયદો છે. સમગ્ર પરિવારનું પ્રિવેન્ટિવ ડેન્ટલ ચેકઅપ નિયમિત પણે કરાવતા રહેવા માટે આપ જન્મદિવસ કે પછી લગ્નની તિથિ, નાણાકીય વર્ષની શરૂઆત અથવા ગાંધીજયંતિ જેવી કોઈ જાહેર રાજાનો દિવસ નિર્ધારિત કરી શકો છો.

સ્વાસ્થ્યની સમસ્યાઓ માટે દવા તથા વાઢકાપથી નિવારણ શોધવાને બદલે તેને વધતા અટકાવવાનું વલણ અપનાવીએ. જો ઉપચાર આવશ્યક જ હોય તો તેને લંબાવામાં શાણપણ બિલકુલ નથી એ વાતનું અચૂક ધ્યાન રાખીયે. ચાલો, જાગ્યા ત્યાંથી સવાર! ન્યુ નોર્મલ સાથે નવી ટેવો કેળવવીએ અને મૌખિક આરોગ્યને પ્રાધાન્ય આપીએ.