Clinic 1: LP Savani Main Road Adajan Gam, Surat
Clinic 2: Makkai Pool, Nanpura, Surat

અનલોક પછી અચાનક કેટલાક દર્દીઓમાં દાંતનું હલવા માંડવું તથા મોઢા અને જબડાનાં રોગોના પ્રમાણમાં નાટકીય વધારો દેખાઈ રહ્યો છે. હાલમાં ખાસ કરીને મ્યુકર ફુગના કારણે જબડાનાં હાડકામાં ચેપ લાગવાના કિસ્સાઓ અને તેને કારણે થયેલા મૃત્યુનો વધેલો દર જોઈ દંત ચિકિત્સકો આશ્ચર્યમાં પડ્યા છે. વધુ તપાસ કરતા જણાયું કે આવા લક્ષણો ખાસ કરીને કોરોનાની સારવાર લઇ ચૂકેલા દર્દીઓમાં વધુ જોવા મળ્યા છે. તેમનામાં આવું કેમ બન્યું હશે તે સમજવા માટે કેટલીક બેઝિક બાબતો સમજી લઈએ.

કોરોનાનો ચેપ વિશ્વના વૈજ્ઞાનિકો તથા તબીબો માટે નવો વિષય હતો. દિવસે દિવસે રોગની ઓળખાણ વધી અને તે સાથે સારવારના પ્રોટોકોલમાં પણ બદલાવ જોવા મળ્યો. એક બાજુ મોટેભાગના દર્દીઓ માત્ર દવાથી સારા થઇ ગયા જયારે બીજી બાજુ કોરોનને કારણે ઘણા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા. કોરોનાને કારણે રોગપ્રતિકારક ક્ષમતામાં થયેલો ઘટાડો એ તેનું મહત્વનું કારણ હોય શકે.

બીજી બાજુ કોમોરબીડીટી ધરાવતા દર્દીઓમાં મૃત્યુનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું! કારણ કે વૃદ્ધાવસ્થા, અનિયંત્રિત ડાયાબિટીસ (ખાસ કરીને કેટોએસીડોસિસ ધરાવતા દર્દીઓમાં), લિમ્ફોમા અને લ્યુકેમિઆ જેવા લોહીના કેન્સર, કિડની ફેલીઅર અને ડાયાલીસીસ કરાવતા દર્દીઓ, અંગ પ્રત્યારોપણ કરાયેલા કે પછી લાંબા ગાળાના ઇમ્યુનોસપ્રેસિવ દવા લેતા દર્દીઓ, લીવર સિરોસિસ, ચામડીથી દાઝેલા, કુપોષણ ધરાવતા અને એઇડ્સના દર્દીઓમાં પહેલાથી જ રોગપ્રતિકારક શક્તિનો અભાવ હોય છે. આવી કોમોરબીડીટી ધરાવતા દર્દીઓમાં કોરોનને કારણે તે કેટલા અંશે ઘટી શકે તેની કલ્પના જ શક્ય નથી!

એક તબીબ પાસે જયારે માણસના જીવનમરણનો પ્રશ્ન હોય ત્યારે સારવારથી થતી આડઅસરની અવગણના કરવી એ જ એકમાત્ર વિકલ્પ હોય છે. આવા રોગપ્રતિકારક શક્તિનો અભાવ ધરાવતા અને સ્ટેરોઈડ દવાથી સારવાર લીધેલા દર્દીઓમાં ટીબી, કેંડીડીઆસીસ અને મ્યુકોર્માયકોસિસ જેવા ચેપ લાગવા તથા ડાયાબિટીસ અને ઓસ્ટીયોપોરોસિસ (હાડકા પોચા પાડવા) જેવા રોગના લક્ષણો દેખાવાની શક્યતા વધી જાય છે.

એકવાર કોરોના થઇ ગયો એટલે મને હવે કઈ નહિ થાય એવું માનવાવાળા ખાસ ચેતી જજો. ઉપર જણાવેલ બધા ચેપમાંથી “મ્યુકોર્માઇકોસિસ” એ એક દુર્લભ પરંતુ જીવલેણ અને તકવાદી ચેપ ગણી શકાય. તે મ્યુકર નામની ફૂગને કારણે થાય છે જે ફળો, માટી, ધૂળ અને ખાતરમાં જોવા મળે છે. તે સામાન્ય રીતે સ્વસ્થ વ્યક્તિના શરીરમાં ફરતી હોવા છતાં તેને નુકસાન કરતી નથી. આ ચેપ દર વર્ષે 1 લાખ વ્યક્તિમાંથી માત્ર 2 જણને (જેમની રોગપ્રતિકારક શક્તિ ખુબજ ઓછી હોય) થાય છે જેનો મૃત્યુદર લગભગ 50% છે અને બચેલા બધા દર્દીઓમાં કાયમી ખોડખાપણ રહી જાય તે જુદું! આવા દર્દીઓમાં મ્યુકર ફૂગ મોઢા તથા નાક વાટે શરીરમાં પ્રવેશી મગજ અને ફેફસા સુધી ખુબજ આક્રમકતાથી ફેલાય છે.

પ્રારંભિક નિદાન અને યોગ્ય એન્ટિફંગલ ઉપચાર સાથેની આક્રમક સર્જિકલ સારવારથી દર્દીઓમાં મૃત્યુદર ઘટાડી શકાય છે. મારા મતે આટલું બધું બગડી જવાની રાહ જોવા કરતા થોડી સાવચેતી રાખવામાં જ શાણપણ છે. દાંતને લગતી તકલીફોની અવગણના ન કરો. દાંત જો અકાળે હલવા માંડે તો અચૂક આપના ડેન્ટિસ્ટની મુલાકાત લો. કોરોનાની સારવાર લઇ ચૂકેલા તથા કોમોરબીડીટી ધરાવતા દર્દીઓએ પોતાની વિગતો છુપાવવી એ ભુલભર્યું છે. આપને નજીકના ભૂતકાળમાં અપાયેલી તથા હાલમાં ચાલુ સારવાર વિશેની દરેક વિગત ડેન્ટિસ્ટને આપવા વિનંતી.

આપ રોગપ્રતિકારક શક્તિ બનાવવા માટે સારો આહાર, ઝીંક અને વિટામિનની દવાઓ તથા આયુર્વેદિક ઉકાળા લઇ શકો છો. કસરત કરો. ઘરડાઓ તથા કોમોરબીડીટી ધરાવતા લોકોએ ખુબ જ જરૂરી હોય તો જ જાહેરમાં જવું. હંમેશા માસ્ક પહેરેલો જ રાખશો. સ્વચ્છતાના આગ્રહી બનો. કોરોનાથી બચી જાઓ તો એનાથી વિશેષ કંઈજ નથી પરંતુ તેના ચેપથી સ્વસ્થ થયેલા દર્દીઓએ નિરાંત થઈ ફરવાને બદલે વધુ કાળજી લેવી અનિવાર્ય છે.