Clinic 1: LP Savani Main Road Adajan Gam, Surat
Clinic 2: Makkai Pool, Nanpura, Surat

ટૂથ વ્હાઇટનિંગ એ દાંતને સફેદ કરવા માટે થતી કોસ્મેટિક ડેન્ટલ સરવારોમાંનો એક સૌથી સસ્તો, સુરક્ષિત અને અસરકારક વિકલ્પ છે. તે વર્ષોથી પીળા પડી ગયેલા દાંતને મોતી જેવા સફેદ બનાવી આપના સ્મિત તથા વ્યક્તિત્વને ચાર ચાંદ લગાવી શકે છે. સામાન્ય રીતે આપણા ત્યાં લોકો સામાજીક પ્રસંગ, જન્મદિવસ તથા લગ્નપ્રસંગે દાંતની સફાઈ (Scaling) તથા તેને વધુ સફેદ અને આકર્ષિત બનાવવા માટે વ્હાઇટનિંગ (Teeth Whitening) કરાવતા હોય છે. વિદેશોમાં તો પાર્ટી કલ્ચર વધુ હોવાથી "વીક-ઍન્ડ વ્હાઇટનિંગ" (અઠવાડિયાના અંતે દાંતને સફેદ કરાવવાનો) નો ટ્રેન્ડ છે. આવું જ કંઈક ઢળાણ મુંબઈ, બેંગ્લોર, દિલ્હી જેવા મેટ્રો શહેરોમાં પ્રેકટીસ કરતા મારા ડેન્ટીસ્ટ મિત્રોએ પણ અનુભવ્યું છે.

ડેન્ટલ સ્કેલિંગ અને વ્હાઇટનિંગ વચ્ચેનો તફાવત શું છે? શું દાંતને નિયમિતપણે સાફ કરવાથી તે સફેદ થાય?

દાંતની સફાઈ અને તેને સફેદ કરવા માટે થતી વ્હાઇટનિંગ સારવાર એકબીજાથી તદ્દન જુદી છે. દાંત ઉપર લાગેલા પાન, માવા કે પછી ચા-કોફીના ડાઘ (extrinsic stains) અને ટાર્ટરને દૂર કરવા ડેન્ટલ સ્કેલિંગ (દાંતની સફાઈ) કરવામાં આવે છે. આમ કરવાથી આપ દાંતને લગતા સડા તથા પેઢાંનાં રોગો સામે રક્ષણ મેળવો છો. જયારે વ્હાઇટનિંગ એ કોસ્મેટિક સારવારનો એક ભાગ છે જે દાંતની પીળાશ, ધુમ્રપાન તથા ફ્લોરોસિસના કારણે દાંતના બાહ્ય આવરણ - એનામલમાં પડેલા આંતરિક ડાઘા (intrinsic stains) ને આછા કરવામાં મદદ કરે છે.

ટૂથ વ્હાઇટનિંગ સારવાર વડે દાંત સફેદ કેવી રીતે થાય?

મોટાભાગના વ્હાઇટનિંગ પ્રોડક્ટમાં કાર્બામાઇડ અથવા હાઇડ્રોજન પેરોક્સાઇડ જેવા બ્લીચનું એક ચોક્કસ મિશ્રણ હોય છે. આવા મિશ્રણ દાંત પર લાગેલા ડાઘ ના કણોનું ઓક્સિડેશન પ્રક્રિયા વડે વિખંડન કરી પાછળ સફેદ રંગ છોડી દે છે. એટલે જ તેને “ડેન્ટલ બ્લીચિંગ” તરીકે પણ ઓળખાઈ છે. સામાન્ય રીતે આ સારવાર ડેન્ટલ ક્લીનિકમાં કે પછી “હોમ વ્હાઇટનિંગ કીટ” વડે ઘરે પણ કરી શકાય છે અને તે માટે લગભગ એક કલાકનો સમય લાગે છે. આ માટે કેટલીક ટૂથપેસ્ટ પણ બજારમાં ઉપલબ્ધ છે. સામાન્ય રીતે ક્લિનિકમાં કરવામાં આવેલ વ્હાઇટનિંગ સારવારનું શ્રેષ્ઠ પરિણામ અઠવાડિયા પછી જોવા મળે છે અને તે લગભગ 6-8 મહિના જેટલું ટકી શકે.

શું વ્હાઇટનિંગ દરેક ઉંમરના લોકોમાં કરી શકાય?

તંદુરસ્ત દાંતવાળા કોઈપણ કિશોરો અથવા પુખ્ત વયના લોકોમાં વ્હાઇટનિંગ કરી શકાય. પ્રાસંગિક ધોરણે જો આપ સ્માઈલને આકર્ષક બનાવવા ઇચ્છતા હોઉ તો વ્હાઇટનિંગ આપ માટે શ્રેષ્ઠ રસ્તો છે. પરંતુ તેની અસર 6-8 મહિના જ રહે છે. કાયમી ધોરણે દાંતને સફેદ અને આકર્ષક બનાવી રાખવા માટે આપના ડેન્ટીસ્ટ કદાચ આપને પોર્સેલીન વિનિયર (veneers) કે પછી મેટલ-ફ્રી ક્રાઉન (metalfree crown) નો વિકલ્પ પણ આપી શકે છે. આ બધી દાંતની કોસ્મેટિક સારવાર "સ્માઈલ ડિઝાઇનિંગ" નો એક ભાગ જ છે. આપ માટે કયો વિકલ્પ શ્રેષ્ઠ રહેશે તે જાણવા માટે ડેન્ટિસ્ટની મદદ લેવી અત્યંત આવશ્યક છે.

શું દાંતને વ્હાઇટનિંગ પ્રક્રિયા વડે સફેદ કરવા સલામત છે?

જી હા, જો આપના દાંત અને પેઢા તંદુરસ્ત હોય તો ચોક્કસપણે આપ તેને સફેદ કરાવી શકો છો. પરંતુ જો આપને દાંત નો સડો હોય કે પછી પાયોરિયાને કારણે આપણા પેઢા નબળા પડી ગયા હોય તો તેવા કેસોમાં વ્હાઇટનિંગ કરતા તત્વોનો ઉપયોગ ગંભીર સંવેદનશીલતા (teeth sensitivity) અથવા બળતરાનું (burning) કારણ બની શકે છે. તેથી જ કોઈપણ પ્રકારની કોસ્મેટિક સારવાર કરવતા પહેલા હૂં આપને મોઢાનું સંપૂર્ણ સ્ક્રિનિંગ કરવવાની ભલામણ કરીશ. નિષ્ણાતોની સલાહ મુજબ ગર્ભવતી અથવા સ્તનપાન કરાવતી મહિલાઓએ થોડાક સમય માટે વ્હાઇટનિંગ સારવારને ટાળવી જોઈએ. હજુ સુધી તેનું કોઈ નકારાત્મક પરિણામ સાબિત થયું નથી પરંતુ, રાખેલી સાવધાની ભૂલને સુધારવા કરતા સરવાળે વધુ સારી સાબિત થશે.