Clinic 1: LP Savani Main Road Adajan Gam, Surat
Clinic 2: Makkai Pool, Nanpura, Surat

આપણે બધા જુદી-જુદી ટૂથપેસ્ટને બેસ્ટ માનીએ છીએ પરંતુ શું તે સાચે જ બેસ્ટ છે કે પછી તે માત્ર આપણા દૃષ્ટિકોણ અને પસંદગીનો ફરક છે? મોઢામાં માત્ર તાજગી અનુભવવા માટે જો તમે બ્રશ કરતા હોઉ તો એ આનંદની વાત છે, પરંતુ વ્યવહારિક દ્રષ્ટિકોણથી, આવી સ્વાદિષ્ટ પેસ્ટ બિનજરૂરી છે. તાર્કિક રીતે જોઈએ તો આપ ટૂથપેસ્ટનો ઉપયોગ કર્યા વિના પણ તમારા દાંતમાંથી ગંદકી દૂર કરી જ શકો છો તો પછી પેસ્ટની શી જરૂર? શું તે કોઈ MLM કંપનીના એજન્ટ દ્વારા માત્ર પોતીકા ફાયદાને ધ્યાનમાં રાખીને આપણને વેચવામાં આવી છે? શું તમે એમાં રહેલા તત્વોને આધારે ટૂથપેસ્ટ ખરીદો છો?

“ડેન્ટલ પ્લાક” એ અસંખ્ય બેક્ટેરિયા દ્વારા આપણા ખોરાકમાં રહેલા ગ્લુકોઝ પર નભતી એક ચીકણી, રંગહીન વસાહત છે જેને “બાયોફિલ્મ” તરીકે ઓળખાઈ છે. આખા દિવસ દરમિયાન, આવી બાયોફિલ્મ આપણા દાંત પર સતત રચાતી રહે છે. આદર્શ રીતે બ્રશ ન કરતા લોકોમાં તે દાંત ઉપર જામીને, સખત થઇ, ટાર્ટરમાં પરિણામે છે જેને પાછળથી માત્ર બ્રશિંગ વડે કાઢવી અશક્ય છે. આવો ટાર્ટર બેક્ટેરિયાની વસાહતો માટે એક રક્ષણાત્મક કવચ બની તેને વધુ પ્રસરવા માટેનું વાતાવરણ પૂરું પાડે છે. મૂળભૂત રીતે તે એસિડિક હોવાથી આપણા દાંત પરના અત્યંત રક્ષણાત્મક આવરણ “એનામલ” માં પોલાણ કરી સડાને વધારવાનું કારણ બને છે. આ સાથે તે પેઢાને નબળા પાડી જીંજીવાઇટિસ તથા પેરિઓડોન્ટાઇટીસ (લાલ અને સોજાયેલા પેઢા, પેઢામાંથી રક્ત પડવું તથા દાંત નું પડી જવું) જેવા રોગોને આમંત્રણ આપે છે.

વ્યક્તિગત જરૂરિયાતો માટે દંત ચિકિત્સકની સલાહ લેવી અનિવાર્ય હોવાં છતાં સામાન્ય રીતે તેમના દ્વારા આપને ફ્લોરાઇડયુક્ત ટૂથપેસ્ટ વાપરવાની ભલામણ કરવામાં આવે છે. ચાલો પેહલા આપણે ટૂથપેસ્ટમાં બીજું શું હોય છે એ જાણીએ કે જેથી તેનો ઉપયોગ કેમ કરવો જોઈએ તે સમજાશે! એક સ્ટાન્ડર્ડ ટૂથપેસ્ટમાં, સામાન્ય રીતે સફાઈ ને વધુ સચોટ બનાવવા, ડિટરજન્ટ્સ અને ફીણવાળા પદાર્થો ઉમેરવામાં આવે છે કે જે દાંતને લાંબા સમય માટે સાફ કરવા માટે આપણને પ્રેરિત કરે છે. તેમાં સિલિકા જેવા એબ્રેસિવ પદાર્થો ઉમેરવામાં આવે છે જે દાંત ઉપર ઘર્ષણ પેદા કરી પ્લાકને સાફ કરવામાં મદદ કરે છે. સ્ટાન્ડર્ડ પેસ્ટમાં આ એબ્રેસિવની સંખ્યા નિયંત્રિત કરવામાં આવે છે કારણકે તેના દુરુપયોગથી દાંતનું રક્ષણાત્મક પડ ઘસાઈ જવાથી કેટલાક દર્દીઓને સેન્સિટિવિટીની તકલીફ ઉદ્ભવી હોઈ તેવું પણ જોવા મળ્યું છે. બધા અમેરિકન ડેન્ટલ એસોસિએશન (ADA) સ્વીકૃત ટૂથપેસ્ટ્સમાં ફ્લોરાઇડ હોય છે જે આપણા દાંતને સડા સામે રક્ષણ આપે છે. કેટલીક કંપની સ્વાદ અનુસાર તેમાં મીઠાશ ઉમેરવા માટે સેકેરીન નાખે છે પરંતુ કોઈપણ ADA- સ્વીકૃત ટૂથપેસ્ટમાં ખાંડ હોતી નથી.

આ સાથે માર્કેટમાં અમુક વિશિષ્ટ પ્રકારની પેસ્ટ મળે છે જે કેટલાક ઉદ્દેશો પ્રાપ્ત કરવા માટેના પદાર્થોનું મિશ્રણ ધરાવે છે. તેમાં કેટલીક તકલીફો સામે અસરકારક એવા પદાર્થો, જેમ કે, - સેન્સિટિવિટી ઘટાડવા માટે પોટેશિયમ નાઇટ્રેટ અથવા સ્ટ્રોન્શીયમ ક્લોરાઇડ, ટાર્ટરને નિયંત્રિત કરવા માટે ટેટ્રાસોડિયમ પાયરોફોસ્ફેટ, પેઢાના સોજા ઘટાડવા અને પ્લાકને દૂર કરવા માટે સ્ટેનસ ફ્લોરાઇડ અને ટ્રાઇક્લોઝન જેવા દ્રવ્યો ભેળવવામાં આવે છે. આવી પેસ્ટનો ઉપયોગ માત્ર જે તે તકલીફ સામે ઉપચાર માટે જ માર્યાદિત હોવાથી તેનો ઉપયોગ જાતે કરતા પહેલા ડેન્ટિસ્ટની સલાહ લેવી અનિવાર્ય છે. સામાન્ય રીતે આવી પેસ્ટથી તમને પ્લાક સામે જરૂરિયાત મુજબનું રક્ષણ મળતું ન હોવાથી, ડેન્ટિસ્ટની સલાહ વગર, હૂં આપને માત્ર જાહેરાતોના આધારે પેસ્ટની પસંદગી કરવાની ભલામણ કરીશ નહીં.

દિવસમાં ઓછામાં ઓછા બે વાર તમારા દાંતને સારી રીતે સાફ કરવું એ પ્લાકને નિયંત્રિત કરવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે. આમ કરવા માટે માત્ર નરમ બ્રશ અને ફ્લોરાઇડયુક્ત ટૂથપેસ્ટની પસંદગી પર્યાપ્ત નથી, પરંતુ યોગ્ય બ્રશિંગ ટેકનીક પણ એટલીજ મહત્વની છે. ખાધા પછી ફ્લોસિંગ કરવું, શુગરયુક્ત અને ચીકણા ખોરાક તથા પીણાંને મર્યાદિત રાખવું, અને નિયમિત ચેકઅપ્સ તથા વર્ષે એકવાર સ્કેલિંગ કરાવવાથી આપ મૌખિક આરોગ્યને ખુબ જ સારી રીતે જાળવી રાકશો એની મારી ગેરંટી છે.

ડેન્ટિસ્ટ દ્વારા થતી દાંતની સફાઇ (સ્કેલિંગ) નું મહત્વ -

આ લેખ દ્વારા આપને સમજાયું હશે કે આમ જાહેરાતોના આધારે કોઈપણ પેસ્ટનો ઉપયોગ કરતા પહેલા ડેન્ટિસ્ટની સલાહ લેવી અનિવાર્ય છે! સામાન્ય રીતે મૌખિક સ્વચ્છતાનો આગ્રહ રાખવાથી અને અત્યાર સુધીના લેખોમાં જણાવ્યા મુજબની પદ્ધતિના અનુસારણથી આપ દાંત પર ચોંટેલો મોટાભાગનો પ્લાક દૂર કરી શકો છો, તેમ છતાં; તમારા મોંમાં ટાર્ટર બનતું અટકવાનું નથી. આ જ કારણે તેને દૂર કરવા માટે આપને વર્ષે એકવાર ડેન્ટિસ્ટની મુલાકાત લઇ દાંતની સફાઇ - સ્કેલિંગ કરાવવું જરૂરી છે. આમ કરવાથી આપ દાંતમાં થતા સડા તથા પાયોરિયાને વધતા અટકાવી શકો છો. જે લોકો દિવસમાં માત્ર એકવાર બ્રશ કરે છે તેમને કદાચ વર્ષે બે વાર પણ સ્કેલિંગની જરૂર પડે તો નવાઈ નહીં!