Clinic 1: LP Savani Main Road Adajan Gam, Surat
Clinic 2: Makkai Pool, Nanpura, Surat

દાંતનો સડો (ડેન્ટલ કેરીઝ અથવા કેવિટી) તરીકે ઓળખાતો દાંતનો રોગ એ હકીકતમાં તેના સખત બાહ્યાવરણ - એનામલ માં થયેલું પોલાણ છે. આ ભંગાણ ડેન્ટલ પ્લાક અને ટાર્ટરમાં રહેલા બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થયેલ એસિડને (ડિમિનરલાઇઝેશન પ્રક્રિયા) કારણે થાય છે. શરૂઆતમાં એસિડ દાંતમાં નાના નાના ખાડા પાડી એનામલને છિદ્રોળુ બનાવી દે છે. ધીમે ધીમે આ સડો દાંતમાં વધુ ઊંડે ઉતરી ઉધઈની માફક તેને પોલું બનાવી દેશે જે કડક ખોરાકને ચાવતી વખતે વજન સહન ન કરી શકવાના કારણે તૂટી પડે છે.

સડાની શરૂઆતમાં દાંતમાં માત્ર ખોરાક ફસાશે પરંતુ કોઈપણ જાતનો દુખાવો થતો નથી. ઇંટરડેંટલ સફાઈના અભાવે આ સડો વધતો જશે જે ક્યારેક ઠંડા પીણાં તથા ગળ્યા પદાર્થોના સેવન પર દાંતમાં સણકા (સેન્સિટિવિટી) નો અનુભવ કરાવે છે. હૂં તેને કુદરત તરફથી મળેલો સંકેત જ માનીશ કે કંઈક તકલીફ છે અને તબીબને બતાવી તેનું નિરાકરણ લાવવું જોઈએ. પરંતુ આવો દુખાવો થોડી જ સેકન્ડોમાં જાતેજ ઓછો થઇ જતો હોવાથી સામાન્ય રીતે આપણા માટે તે પ્રાથમિકતાનો વિષય બનતો નથી. આ સમયે તમારા દાંતની નસ સતત ચેપ સામે લડી રહી છે અને તેની રોગ પ્રતિકારક શક્તિ જવાબ આપે ત્યાં સુધી ટકી જશે. ખરેખરમાં આ તબક્કા પર સારવાર કરવાથી દાંતની નસને રોગમુક્ત બનાવી શકાય. આવા સમયે માત્ર સડાને સાફ કરી પોલાણને દાંતના કલરની સીમેંન્ટ વડે ભરી દેવામાં આવે છે. વળી આ સારવારમાં માત્ર એકજ અપોઈન્ટમેન્ટ લાગશે અને તે બેકાળજીનાં લીધે ભવિષ્યમાં આવતા મોટા ખર્ચાથી પણ આપને બચાવશે.

સમય આવ્યે સમજી જાય તે બીજા! સામાન્ય રીતે દર્દી દુખાવો થતો હોય તે બાજુથી ખોરાક લેવાનું ટાળતા હોવાથી દુખાવામાં આંશિક રાહત અનુભવાય છે. પરંતુ તેઓ એ ભૂલી બેઠા કે હજુ ત્યાંથી સડો સાફ થયો નથી. આવો સડો ધીમે ધીમે દાંતની નસ સુધી પહોંચી તેને કાયમ માટેનું નુકસાન કરી બેશે ત્યારે આપણને અસહ્ય પીડાનો અનુભવ થાય છે. હવે આ દુખાવો જાતે બંધ ન થતો હોવાથી આપ તાત્કાલિક પેઇનકિલર લેવાનું હિતાવહ સમજશો. મોટેભાગે દવાથી આ દુખાવો દબાઈ જતો હોવાથી હજુપણ આ રોગ દર્દીની પ્રાથમિકતાનો વિષય બનતો નથી! આ તો એવું થયું કે તાવ આવ્યો અને દવા ખાવાથી તે ઓછો પણ થઇ ગયો, પરંતુ શું તમે એ વિચાર્યું કે તાવ કેમ આવ્યો? રોગની જડમૂળથી સારવાર કરવામાં ન આવે તો ફરીથી તાવ આવી શકે છે, એ જ રીતે ઘણી વખત આવા સડેલાં દાંતમાં પાછો ચેપ લાગવાથી કે તેના તૂટી પડવાથી અસહ્ય દુખાવો તથા અવાળામાં રસી થઇ જશે અને હવે નાછૂટકે આપને દાંતના ડોક્ટર પાસે જવું પડે છે. આવા સમયે ડૉક્ટર આપને રુટ કેનાલ તથા દાંત ઉપર કેપ બેસાડવાની સલાહ આપે છે જે સિમેન્ટ થકી દાંતને બચાવવાની સારવાર કરતા પાંચથી દસ ગણી મોંઘી પડશે. એક રીતે જોઈએ તો આપણે નસીબદાર છીએ કે આ સારવારમાં દાંતની નાસ કાઢી નાખવા છતાં તેને બીજા 8-10 વર્ષ માટે વપરાશમાં લઇ શકીશું. પરંતુ કમનસીબી એટલી જ છે કે આપણે જાતે કરીને બેકાળજીને લીધે દાંતનું આયુષ્ય ઘટાડ્યું.

આવા સમયે સારવાર મોંઘી પડતી હોવાથી ડોક્ટર તમને સારવાર ના બદલે દુખાવાને દબાવવા માટે સ્ટ્રોંગ દવાઓ લખી આપે તેવો આગ્રહ રાખતા દર્દીઓ મેં ઘણા જોયા છે. પરંતુ દવાઓ પણ એક લેવલ સુધી જ અસર કરતી હોવાથી તકલીફોમાં જોઈએ તેવી રાહત મળતી નથી. ઘણી વાર આવા દર્દીઓ અમારા પાસે આવે ત્યાં સુધીમાં દાંતની માત્ર કટકી જ બચેલી હોવાથી (તેને બચાવવાનો વિકલ્પ ન હોવાથી) તેને કાઢ્યે જ છૂટકો. એક દાંત ગુમાવવાથી ભાગ્યે જ ફરક પડતો હોવાથી ડૉક્ટર દ્વારા તેને બેસાડવા માટે આપાયેલા અત્યંત ખર્ચાળ વિકલ્પો સાંભળી આપણે તેમને લૂંટારુ કે પછી ધંધાદારીની પદવી આપી દઈશું. દાંતના ડોક્ટરો તો બહુ મોંઘા એવું કહેનારા દર્દી એ ભૂલી બેઠા કે પોતાની જ આળસના કારણે આવી ખર્ચાળ સારવારને તેમણે જાતેજ આમંત્રણ આપ્યું છે. પ્રાથમિક સારવારનું મહત્વ ઓછું આંકવાની ભૂલ અને તેના કારણે થતી તકલીફો માટે જવાબદાર દર્દી પોતે જ છે.

શરૂઆતમાં જેનો ખર્ચો 2-3 હાજર હતો તે આજે આપની બેકાળજીને લીધે 25-50 હાજર સુધી પહોંચી ગયો. સામાન્ય રીતે કાર / મશીનોમાં આપે અનુભવ્યું હશે કે તેની સમયસર સર્વિસ ન કરાવીએ તો પાછળથી મોટો ખર્ચો આવી પડે છે. આપણું શરીર પણ કુદરતે બનાવેલું એક જટિલ મશીન જ તો છે જેને પણ સમયસર રપેરિંગની જરૂર પડે છે. નવો દાંત બેસાડવા માટે આપેલી સલાહ તમારા હિતમાં જ છે. હજુપણ જો આપ તેનું મહત્વ ઓછું આંકશો તો પાછળથી ડાહપણ તો જરૂર થી આવશે પરંતુ આપણે તેની ભારે કિંમત ચૂકવવી પડશે!

દાંતની ખરી કિંમત તો જેમને દાંત નથી તે જ જાણે છે. અંતે તો હૂં માત્ર એટલું જ કહીશ કે આપની બેકાળજી જ ડેન્ટલ સારવારને મોંઘી બનાવી દે છે. આ સાથે આપને થતી પીડા અને દાંત વગર ખોરાકને ચાવવામાં પડતી અગવડ એક જાતની અપંગતા નથી તો બીજું શું છે? આપણને કોરોના એ શીખવ્યું કે દેખાદેખીમાં લાઇફસ્ટાઇલ પાછળ ખર્ચો કરવા કરતા પણ વધુ મહત્વનું પરિવારના દરેક સભ્યનું સ્વાસ્થ્ય જ છે. હવે આપે વિચારવાનું રહ્યું કે આપ માટે પ્રાથમિકતાનો વિષય 25-35 હજારનો સ્માર્ટ ફોન છે (જે માત્ર 2-3 વર્ષ ચાલશે) કે પછી સારવાર થકી મેળવેલી આજીવન રાહત!