Clinic 1: LP Savani Main Road Adajan Gam, Surat
Clinic 2: Makkai Pool, Nanpura, Surat

આપણને બધાને ક્યારેક મોઢાની દુર્ગંધના લીધે જાહેરમાં શરમમાં મૂકાવું પડ્યું હશે. ઉચ્છવાસમાં દુર્ગંધ ન આવે એ માટે પહેલા તેનું કારણ શું છે તે જાણવું જરૂરી છે. તમને લાગતું હશે કે માત્ર લસણ - કાંદા જેવા ખોરાકના લીધે મોઢામાંથી વાસ આવી શકે. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે મોંમાં અને ખાસ કરીને જીભ પર રહેલા બેક્ટેરિયામાંથી નીકળતા "સલ્ફર કમ્પાઉન્ડ્સ", મોઢાની દુર્ગંધ માટે જવાબદાર છે. ખોરાક સિવાય અપૂરતી સ્વચ્છતા, તમાકુનો ઉપયોગ અને અન્ય કેટલાક રોગોના કારણે પણ મોઢામાં દુર્ગંધ ઉત્પન્ન થઇ શકે છે.

દુર્ગંધનાં કારણો:

ધૂમ્રપાન તથા માવા ખાવાથી તેનો ટાર અને નિકોટિન દાંત ઉપર જામી જાય છે. લસણ અને ડુંગળી જેવા ખાદ્ય પદાર્થો એક વિશેષ ગંધ ધરાવે છે. ટાર અને ખોરાકના કાણો દાંત વચ્ચે ફસાઈ ગંધ પેદા કરનારા બેક્ટેરિયાને ત્યાં એકત્રિત કરી શકે છે. મોંમાંની લાળ દાંત પરથી ખોરાકના કણોને ધોવામાં મદદ કરે છે. પરંતુ જેમનું મોઢું વધારે સમય સુકુ રહેતું હોઈ તેમનામાંથી પણ વાસ આવી શકે છે. કેટલીક દવાઓ, મોઉથ બ્રિધીંગ (મોઢેથી શ્વાસ લેવો) અને ધૂમ્રપાન જેવી આદતો મોઢાને શુષ્ક રાખવામાં ફાળો આપી શકે છે. આ સાથે અપૂરતી સફાઈ, દાંતનો સડો અને પાયોરિયાને કારણે પણ મોઢામાંથી દુર્ગંધ આવી શકે છે. કેટલાક વિટામિનની ઉણપથી દુર્ગંધમાં વધારો થઇ શકે છે. શ્વસન માર્ગના ચેપ, સાઈનોસાઇટિસ, ડાયાબિટીસ, જઠર તથા આંતરડાના રોગો, અને કિડનીની બિમારીઓ શ્વાસમાં દુર્ગંધ પેદા કરી શકે છે.

દુર્ગંધથી કેવી રીતે છૂટકારો મેળવવો:

કારણ ને જાણી લેવું એ સમસ્યા સામેની લડતમાં અડધી જીત છે, અને સારી મૌખિક સ્વચ્છતા જાળવવાની આદત કેળવવી એ શ્રેષ્ઠ શસ્ત્ર ગણી શકાય. દરરોજ તમારા દાંત અને પેઢાને દિવસમાં 2 વાર ઓછામાં ઓછી 2 મિનિટ માટે સાફ કરો. બે દાંત વચ્ચેની જગ્યાને ઈંટરડેંટલ બ્રશ અથવા ફ્લોસ વડે સાફ રાખો. આજકાલ બજારમાં કેટલાક સોનિક બ્રશ મળે છે જે દાંત સાફ કરવા માટે ઉત્તમ ગણી શકાય. સચોટ સફાઈ માટે અરીસામાં જોઈ દાંત અને પેઢા બંનેને બ્રશ કરો. ડેન્ટિસ્ટની સલાહ અનુસાર એન્ટિબેક્ટેરિયલ ટૂથપેસ્ટ અને માઉથવોશનો ઉપયોગ કરો. યાદ રાખશો કે એન્ટિસેપ્ટિક મોઉથવોશનો કાયમી ઉપયોગ હાનિકારક છે. જો તમે ચોકઠું પહેરતા હોઉ તો રાત્રે તેને બહાર કાઢી નાખવું અને બીજા દિવસે સવારે પાછું પહેરતા પહેલા ડેન્ટચર ક્લીંઝરથી સારી રીતે સાફ કરો.

બ્રશિંગ્સ વચ્ચે શ્વાસને તાજી રાખવામાં સહાયક સૂચનો:

પૌષ્ટિક આહાર લો. ગાજર અને સફરજન જેવા ફળોને નાસ્તામાં લેવાથી તે દાંત પર જામેલી ગંદકીને છૂટી પાડવામાં મદદ કરે છે. ખાધા પછી કોગળા અને ફલોસ કરવાની ટેવ પાડો. તમારી જીભ સાફ રાખો. વધુ પ્રમાણમાં પાણી પીવો. લાળના પ્રવાહને ઉત્તેજીત કરવા માટે સુગરલેસ ચુવીન્ગમનો ઉપયોગ કરી શકાય.

આમ કરતાપણ જો મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તો આપના ડેન્ટિસ્ટની મુલાકાત લો. તમને તપાસી અને કેટલાક સવાલો પૂછી ડેન્ટિસ્ટ એ સમજી શકે છે કે તકલીફનું કારણ મોઢામાં છે કે પછી આપનું સ્વાસ્થ્ય ખરાબ થવાનું તે કોઈ લક્ષણ છે! જો તમારા શ્વાસની તકલીફ મૌખિક કારણોસર ઉભી થાય તો તેઓ યોગ્ય સારવાર કરી દુર્ગંધને દૂર કરવામાં મદદ કરી શકે છે. સામાન્ય રીતે વર્ષમાં એકવાર ડેન્ટલ ચેકઅપ અને દાંતની સફાઈ કરાવવી સલાહભર્યું છે.