Clinic 1: LP Savani Main Road Adajan Gam, Surat
Clinic 2: Makkai Pool, Nanpura, Surat

બે અઠવાડિયા પહેલાના લેખમાં આપને સમજાયું હશે કે શા માટે દિવસમાં બે વાર, સવારે ઉઠીને અને રાત્રે સુતા પહેલા, બ્રશ કરવું જોઈએ. ગયા અઠવાડિયાના લેખમાં આપણે જોયું કે મોઢું એ શરીરનો અભિન્ન અંગ હોવાથી તેનું સ્વાસ્થ્ય જાળવવું જરૂરી છે. મોઢાને સાફ રાખવું એ તમારા સંપૂર્ણ આરોગ્યની જાળવણીનો એક મહત્વપૂર્ણ ભાગ ગણી શકાય. આ માટે દિવસમાં બે વાર બ્રશ કરવું, યોગ્ય બ્રશ તથા ટૂથપેસ્ટની પસંદગી કરવી, બ્રશને દર બે મહિને બદલી કાઢવું, ફ્લોસિંગ કરવું, જીભ સાફ કરવી અને તમારા ડેન્ટિસ્ટની વર્ષે એકવાર મુલાકાત લેવી એ મૌખિક આરોગ્યની જાળવણીનો શ્રેષ્ઠ રસ્તો છે. પરંતુ શું બ્રશિંગ આપણે માનીયે તેટલું સરળ છે?

સમાજના કેટલાક વર્ગની મૌખિક સફાઈ પ્રત્યેની જાગૃતિ ખુબજ સરાહનીય છે. મારા કેટલાક દર્દી એવાપણ છે જે દાંત ઉપર જરાક પણ દાગ ચલાવી લેતા નથી. તેઓ એવું માને છે કે સખત દબાણ આપીને બ્રશ કરવાથી દાંતને વધુ સાફ રાખી શકાય છે. આ માટે તેઓ કેટલીક વાર "હાર્ડ બ્રિસ્ટલ્સ" ના બ્રશ પણ વપરાશમાં લે છે જે મારા મતે અત્યંત નુકસાનકારક પસંદગી કહી શકાય. આવી ગેરમાન્યતાઓ સાથે કરાયેલા બ્રશિંગથી દાંત તથા પેઢાને ફાયદા કરતા નુકસાન વધુ થાય છે. આવા લોકોમાં ઘણીવાર દાંતમાં કળતર (સેન્સિટિવિટી) ની તકલીફ જોવા મળે છે.

દાંત અને પેઢાને થતા નુકસાન પાછળનું એક કારણ દાંત સાફ કરવાની ભૂલ ભરેલી પદ્ધતિ તથા ખોટા બ્રશની પસંદગી છે. તમે જેટલું દબાણપૂર્વક બ્રશ કરોશો તેટલુ દાંતનું બાહ્ય આવરણ -એનામલ અને પેઢાંને ઘસારો પહોંચે છે. લાંબા સમયથી લાગતા ઘસારાને કારણે દાંતમાં ખાડા પડી જશે તથા પેઢા નીચે ઉતારી જવાથી દાંતના સંવેદનશીલ ભાગો ખુલ્લા પડી જાય છે. અંતે તે દાંતમાં થતી કળતરનું મુખ્ય કારણ બને છે. આ ઉપરાંત આવા દાંતોમાં ખાવાનું ફસાવું કે પછી સડો લાગવાની શક્યતા પણ ખુબ વધી જાય છે.

તો પછી બ્રશ કરવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? આજે આપણે બ્રશિંગ કરવાની સચોટ પદ્ધતિને સમજીશું. મારા મતે "બ્રશિંગ ધીમેધીમે, હલ્કા હાથે પરંતુ સંપૂર્ણ રીતે થવું જોઈએ". અલબત્ત, વ્યક્તિગત જરૂરિયાતો માટે દંત ચિકિત્સકની સલાહ લેવી જોઈએ, પરંતુ સામાન્ય રીતે, અમે નરમ-સોફ્ટ બ્રિસ્ટલસના ટૂથબ્રશનો ઉપયોગ કરવાની ભલામણ કરીએ છીએ. બ્રશને દાંત તથા પેઢાંનાં જંક્શન પર 45 ડિગ્રીના ખૂણે એ રીતે મુકીશું કે જેથી તેનો અડધો ભાગ પેઢા પર હોય અને બાકીનો અડધો ભાગ દાંત પર હોય, અને પછી નાના વર્તુળાકાર સ્ટ્રોક આપી તેને દરેક દાંત પર ઘસવું. ધીમેધીમે બ્રશને આગળ અને પાછળના દાંત તરફ ખસેડો. બધા દાંતની બહાર તથા અંદરની બાજુએ બ્રશ જાય તે જરૂરથી ધ્યાનમાં રાખજો. દિવસમાં બે વાર બ્રશ કરવું અને જીભ ને સાફ કરવાનું ભૂલશો નહીં. બ્રશિંગ વખતે દાંતને અરીસામાં જોઈને તમે બે સંપૂર્ણ મિનિટ માટે બ્રશ કરો.

જો તમે ઇલેક્ટ્રિક ટૂથબ્રશનો ઉપયોગ કરી રહ્યાં છો તો સફાઈની પદ્ધતિ એટલી જટિલ નથી. તેના પર દબાણ કરવાને બદલે તમારા દાંત સાથે સંપર્કમાં રાખી બસ આગળ-પાછળ તથા દરેક દાંતની અંદર-બહારના ભાગ પર ઘસો. દાંત વધુ દબાણથી ઘસાઈ ન જાય એ વાતની ખાતરી કરવા માટે આપ ટૂથબ્રશને તમારા નોન-ડૉમિનન્ટ હાથમાં (જમોડી માટે ડાબો હાથ) પકડવાનો પ્રયાસ કરો. તમારા મોં ને ચાર ભાગમાં વહેંચી પ્રત્યેક ચતુર્થાંશ ભાગમાં 30 સેકંડ માટે બ્રશ કરવું સલાહભર્યું છે. આ માટે આપ તમારા ફોન પર ટાઈમરનો અથવા ઇલેક્ટ્રિક ટૂથબ્રશનો ઉપયોગ કરી શકો છો. આ ટીપ્સને અનુસરવાથી તમારા દાંતમાં થતી કળતરમાં પણ થોડાક અંશે ઘટાડો થશે અને તમે દાંતને સાફ તથા મોંને સ્વસ્થ રાખી શકશો. વધુ માહિતી આપ wikihow.com પરથી મેળવી શકો છો.