Clinic 1: LP Savani Main Road Adajan Gam, Surat
Clinic 2: Makkai Pool, Nanpura, Surat

દાંતનું મહત્વ માત્ર દેખાવ પૂરતું સીમિત નથી પરંતુ તે આપને ખોરાકના પાચન તથા બોલવામાં પણ મદદરૂપ નીવડે છે. સારી મૌખિક સ્વચ્છતા એકંદરે તમારા શરીરને સ્વસ્થ રાખવાની ચાવી છે. મૌખિક આરોગ્ય વિશે ઇન્ટરનેટ પર ઘણી બધી માહિતી ઉપલબ્ધ છે, તેથી આપણામાંના મોટાભાગના લોકો મૌખિક સ્વચ્છતાના મહત્વ અને તેને સારી સ્થિતિમાં કેવી રીતે જાળવી શકાય તે વિશે જાગૃત છે. તેમ છતાં, શું આપણે આ માહિતીને વ્યવહારમાં મૂકી રહ્યા છીએ? જો હા, તો શું આપની રીત ખામીયુક્ત તો નથી ને?

દંત ચિકિત્સક સામાન્ય રીતે આહારની પસંદગી પર ભાર મુકતા હોય છે. દાંતના સડાને રોકવા માટે ખાંડ અને ચોકલેટ જેવા ગળ્યા પદાર્થો, સોડા તથા રેડબુલ જેવા પીણાં અને ખોરાકમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ નિશ્ચિત રૂપે નિયંત્રિત કરવાની સલાહ હંમેશા આપને ડેન્ટિસ્ટ તરફથી મળી જ હશે. આ ઉપરાંત પ્રત્યેક ડેન્ટિસ્ટ દિવસમાં બે વાર દાંત સાફ કરવાની ભલામણ કરતા હોઈ છે. તેમ છતાં મોટાભાગના લોકો દિવસમાં માત્ર એકવાર જ બ્રશ કરે છે. મૌખિક આરોગ્ય માટે સજાગ એવો સમાજનો એક વર્ગ દિવસમાં બે કે પછી ત્રણવાર પણ બ્રશ કરે છે જયારે એવા પણ ઘણા છે જે તેને બિલકુલ મહત્ત્વ આપતા નથી.

બ્રશિંગ દિવસમાં બે વાર અને તે પણ એક ચોક્કસ સમયે થાય તો તેની તમારા મૌખિક સ્વાસ્થ્ય પર ખુબ જ સારી અસર પડે છે. સવારે બ્રશ કરવાથી માત્ર સડા સામે જ રક્ષણ મળતું નથી, પરંતુ આ સાથે ખરાબ શ્વાસ સામે લડવામાં પણ મદદ મળે છે અને તાજગીભરી દિવસની શરૂઆત થાય છે. તો બીજીવાર આપ બ્રશ ક્યારે કરશો? ખાધા પછી કે રાત્રે સુતા પહેલા? ચાલો આ પ્રશ્નનું નિરાકરણ લાવીએ.

સડો સામાન્ય રીતે દાંત ઉપર જામેલા ખોરાક પર નભતા કીટાણુ દ્વારા એસિડ બનાવવાથી થાય છે. આપણે જેટલી વાર ખાઈએ ત્યારે આપણા દાંત કાર્બોહાઇડ્રેટ્સના સંપર્કમાં આવે છે જે મૂળરૂપે ગ્લુકોઝ (શુગર) હોય છે. જો આ ખોરાકના કણ દાંત પણ ચોંટેલાં રહે તો, તમારા દાંતની સપાટી પર રહેલા બેક્ટેરિયા તેનું સેવન કરવાનું શરૂ કરશે અને પરિણામરૂપે એસિડ છોડશે જે દાંતમાં સડો થવાનું કારણ બને છે. છેવટે તે આપને પેઢાના રોગો તરફ પણ દોરી જાય છે. ખોરાક જેટલો દાંત ઉપર વધુ સમય રહે તેટલી એસિડની અસર વધુ અને ઝડપથી જોવા મળશે! કુદરતી રીતે લાળ દાંત ઉપર ચોંટેલા ખોરાકના કણો ધોઈ નાંખી મોં ને સાફ રાખવામાં મદદ કરે છે. પરંતુ દિવસ કરતા રાત્રે ઊંઘમાં આપણી લાળ ગ્રંથીઓ ઓછી લાળ ઉત્પન્ન કરે છે. આ જ કારણે જેમનું મોઢું સતત શુષ્ક રહેતું હોય (કુદરતી રીતે અથવા દવાને લીધે) તેવા લોકોમાં સામાન્ય રીતે દાંતના સડા વધુ પ્રમાણમાં જોવા મળે છે. હવે જો આપણે સૂતા પહેલા દાંત સાફ ન કરીયે તો ખોરાકના કણો આખી રાત આપણા દાંત પર બેસેલા રહે છે અને મોઢું પણ સૂકું રહેતું હોવાથી સમય જતાં તે દાંતને સડો લગાડવામાં ખુબ જ મોટો ફાળો આપે છે.

હવે કદાચ આપને સમજાયું હશે કે શા માટે બીજીવાર નું બ્રશિંગ રાત્રે સુતા પહેલા કરવું વધુ હિતકારી છે. કેટલાક લોકો બપોરના ભોજન પછી આવતી દુર્ગંધને ટાળવા બ્રશ કરવાનો આગ્રહ રાખે છે જે ખુબ જ ભૂલભર્યું ગણી શકાય. ખાધા પછી મોંમાં એસિડનું પ્રમાણ વધુ હોય છે. તેથી ખાધા પછી તરત બ્રશ કરવાથી આ એસિડ દાંત ઉપર ઘસાઈને તેનું રક્ષણાત્મક પડ- એનામલ ને નુકસાન પહોંચાડે છે. તેના કારણે આવા લોકોના દાંતમાં કળતર (સેન્સિટિવિટી) નું વધુ પ્રમાણ નોંધવામાં આવ્યું છે. ખોરાકની દુર્ગંધને ટાળવા માટે સરસ કોગળા કરી શકાય અને અને જીભ ને સાફ કરવાથી ફાયદો જરૂરથી મળશે. સમયસર પાણી પિતા રહો જેથી મોઢામાં ભીનાશ જળવાયેલી રહે. જમ્યા પછી શુગર-ફ્રી ચૂવિન્ગ ગમ ખાવાથી પણ મોઢામાંથી આવતી દુર્ગંધને ઘટાડી શકાય છે. તેમ છતાં જો તમારે બ્રશ કરવું જ હોય તો ખાધાનાં અડધો કલાક પછી કરી શકાશે.