Clinic 1: LP Savani Main Road Adajan Gam, Surat
Clinic 2: Makkai Pool, Nanpura, Surat

સ્વાદિષ્ટ ચ્યુઇંગમ ને ચાવવાની ઘણી મજા પડે, ખરુંને? તેને ખાધા પછી મોઢામાં તાજગીનો અનુભવ થાય છે. ખાસ કરીને બાળકોને તે વધુ પસંદ આવે છે. વિદેશોમાં તો બીઝિ લાઇફસ્ટાઇલના બહાને બ્રશિંગના બદલે શુગર-ફ્રી ચ્યુઇંગમ ખાવા નો ટ્રેન્ડ છે! મારા કેટલાક વયસ્ક દર્દીઓને પણ બ્રશિંગની અવગણના કરતા મેં જોયા છે! પરંતુ શું તમે કદી એ ચકાસ્યું કે આવી ચ્યુઇંગમમાં મીઠાશ માટે કઈ શુગર અને તે કેટલી માત્રામાં નાખવામાં આવી છે? શું તે આપણા દાંતને ફાયદો કરશે કે નુકસાન?

આગળના લેખોમાં આપણે જોયું કે ડેન્ટલ પ્લાકમાં રહેલા બેક્ટેરિયા, ખોરાકના કણોને તોડી, એસિડ બનાવે છે જે દાંતના બાહ્ય આવરણમાં પોલાણ સર્જી દાંતમાં સડો કરે છે. ખોરાકમાં જેટલી ગાળ્યા અને ચીકણા પદાર્થોની માત્રા વધુ તેટલો જ તે સડાને ફેલાવાની ઝડપમાં વધારો કરે છે. આવી સાકરથી થતા નુકસાન ને ધ્યાનમાં રાખી કેટલાક ઉત્પાદકોએ બજારમાં શુગરફ્રી ચ્યુઇંગમનું વેચાણ શરુ કર્યું અને લોકો તેને બ્રશિંગ નો વિકલ્પ સમજી બેઠા! વળી જાહેરાતો પણ એવી લોભાવણી જે આપણને વાસ્તવિકતાથી દૂર લઇ જશે! તાર્કિક શક્તિના અભાવે, દેખાદેખી અને માર્કેટિંગ ના કારણે આપણે ઘણી બધી ગેરસમજો સાથે જીવીએ છીએ.

જો તમે કંઈપણ સમજ્યા વગર આપના NRI સગા સંબંધીઓને શુગર-ફ્રી ચ્યુઇંગમ ખાતા જોઈને તેમનું આંધળું અનુકરણ કરતા હોઉં તો ચેતી જશો. જરા વિચારી જુઓ કે ભારતીયોની સરખામણીએ વિદેશમાં મૌખિક આરોગ્ય પ્રત્યે વધુ સજાગતા હોવા છતાં શા માટે તેમનામાં દાંતમાં થતા સડાનું પ્રમાણ ઘટતું નથી? કદાચ તેના કારણના મૂળ માં બ્રશિંગ અને ફ્લોસિંગની અવગણના હોય શકે! લોકોને અનુસરો પરંતુ તમારા મગજનો ઉપયોગ જરૂરથી કરશો. ચાલો આજે આપણે શુગર-ફ્રી ચ્યુઇંગમ ચાવવાથી દાંતને થતા ફાયદા જોઈશું અને તેમ છતાં શા માટે તે બ્રશિંગનો વિકલ્પ નથી તે પણ સમજીશું.

અમેરિકન ડેન્ટલ એસોસિએશન (એડીએ) મુજબ જમ્યા પછી શુગરફ્રી ચ્યુઇંગમ ખાવાથી તે દાંતના સડાને રોકવા માટે મદદ કરે છે. અધ્યયનોએ બતાવ્યું છે કે ચ્યુઇંગમ તમારા મોંમાં લાળનો પ્રવાહ વધારે છે, જે ખાદ્ય કણોના તૂટવાથી મોઢામાં બનતી શર્કરા અને એસિડની સાંદ્રતા ઓછી કરવામાં મદદ કરી શકે છે. આ સાથે વધુ લાળનો પ્રવાહ તેની ફ્લશીંગ પ્રક્રિયા વડે ખોરાકના કણો તથા સૂક્ષ્મજીવોને દાંત પરથી કાઢવામાં મદદ કરે છે. ઉપરાંત લાળમાં થયેલો આ વધારો નિયમિત લાળ કરતા પણ વધુ પ્રમાણમાં કેલ્શિયમ ધરાવતો હોવાથી દાંતના એનામલને (રક્ષણાત્મક બાહ્ય આવરણ) મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે.

તેમ છતાં દાંત સાફ કરવા માટે ચ્યુઇંગ ગમ એ બ્રશિંગનું રિપ્લેસમેન્ટ નથી…

ઘરના દરેક ખૂણામાં ફિનાઈલ વાળું પાણી નાખવાથી સફાઈ થતી નથી, આ માટે આપણે પોતું મારી ગંદકી દૂર કરવી જ રહી. તે જ રીતે શુગરફ્રી ગમ ભલે તમારી દૈનિક સ્વચ્છતા રાખવામાં સહાયક હોઈ શકે છે, પરંતુ બ્રશિંગ અને ફ્લોસિંગ નો વિકલ્પ ન ગણી શકાય. ચ્યુઇંગમ તમારા દાંતની સપાટી પર પહોંચી શકે છે, પરંતુ તે તમારા દાંતની વચ્ચે ફ્લોસિંગની જેમ પહોંચતું નથી. મોઢાના દરેક ખૂણામાંથી સફાઈ કરવા માટે બ્રશિંગ ખુબ જ જરૂરી છે. સામાન્ય રીતે જમ્યા પછી તરત જ દાંત સાફ ન કરી શકાતા હોવાથી હૂં તેને ચ્યુઇંગમ ખાવાનો બેસ્ટ સમય માનું છું. આમ કરવાથી ટૂંકા ગાળામાં તમારા દાંતને સાફ રાખવામાં મદદ મળી શકે છે અને ખાધા પછી તાજગીભર્યો અહેસાસ પણ થાય છે. મૌખિક આરોગ્ય જાળવવા માટે દરરોજ અનુસરાતી સારી ટેવ ઉપરાંત, વર્ષમાં એક વાર તમારા ડેન્ટિસ્ટ પાસે ચેકઅપ માટે જવું એ વધુ ગંભીર મુદ્દાઓને અટકાવીને તમારા મોંને સ્વસ્થ રાખવામાં જરૂરથી મદદ કરશે.