Clinic 1: LP Savani Main Road Adajan Gam, Surat
Clinic 2: Makkai Pool, Nanpura, Surat

વર્લ્ડ ડેન્ટલ ફેડરેશન (એફડીઆઈ) અનુસાર, મૌખિક આરોગ્યની વ્યાખ્યા અનેક મહત્વના મુદ્દાઓને આવરી લે છે, જેમકે; તેમાં બોલવાની, હસવાની, ગંધ તથા સ્વાદ પારખવાની, ખોરાકનો સ્પર્શ અનુભવી તેને ચાવવાની તથા ગળી જવાની, અને આત્મવિશ્વાસ સાથે ચહેરાના હાવભાવ દ્વારા વિવિધ ભાવનાઓને વ્યક્ત કરવાની ક્ષમતા શામેલ છે. આ વ્યાખ્યાને ધ્યાનમાં રાખીને વિચારીએ તો મૌખિક આરોગ્ય એ રોગમુક્ત સ્વાસ્થ્યને માણવા તથા સુખાકારી જીવન જીવવા માટેનો એક નિર્વિવાદિત ભાગ છે. કદાચ આપણે તેનું મહત્ત્વ ઓછું આંકીએ છીએ અને બધું ગ્રાન્ટેડ લેવાની આપણી આ કુટેવ કડવા અનુભવો પછી જ જશે!

“ડેન્ટલ પ્લાક” એ બેક્ટેરિયાની એક ચીકણી બાયોફિલ્મ છે જે તમારા દાંત પર તથા બે દાંત વચ્ચે સતત રચાતી રહે છે. તેને નિયમિતરૂપે દૂર કરવું આવશ્યક છે, નહીંતર તે પેઢામાં થતા રોગો, દાંતનો સડો તથા મોઢામાંથી આવતી દુર્ગંધનું કારણ બની શકે છે. દિવસે દિવસે મૌખિક રોગોને હાઈ બીપી, ડાયાબિટીઝ, અપચા તથા મેદસ્વીપણાની સાથે જોડતી કડીઓ મળી રહી છે. દંતચિકિત્સકો દ્વારા, વૈજ્ઞાનિક શોધખોળો તથા ક્લીનિકલ અનુભવના આધારે, "આરોગ્ય પ્રોત્સાહિત અભિગમ" કેળવવાનો અનુરોધ હંમેશા રાખવામાં આવે છે. આ માટે સચોટ મૌખિક સ્વચ્છતા જાળવવી જ પડે તેમાં કોઈ બેમત નથી.

હવે કદાચ સામાન્ય સ્વાસ્થ્યની જાળવણી માટે ડેન્ટલ પ્લાકને દૂર કરવાના મહત્વને લોકો દ્વારા વધુ સારી રીતે સમજવામાં આવે છે. અત્યાર સુધીના લેખોમાં આપણે બ્રશ તથા પેસ્ટની પસંદગી કરતી વખતે ધ્યાનમાં રખાતી બાબતો જોઈ. આપણે દાંત સાફ કરવા માટેની સાચી પદ્ધતિ ને પણ સમજ્યા. પરંતુ શું તે પૂરતું છે? ના, હજુ તો તમે માત્ર ગાડી ચાલવાનું શીખ્યા છો પરંતુ તેમાં એક્સપર્ટ તો આપણે હવે થઈશું. માત્ર બ્રશિંગથી 60% પ્લાક દૂર થાય, જ્યારે ઇન્ટરડેન્ટલ બ્રશ અને ટૂથબ્રશ બંને મળીને 95% સુધી ગંદકીને દૂર કરવામાં સક્ષમ છે.

“ઇન્ટરડેન્ટલ ક્લિનિંગ” એટલે બે દાંત વચ્ચેની જગ્યાની સફાઈ. તમારું ટૂથબ્રશ ફક્ત દાંતની અંદરની, બહાર અને ચાવવામાં વપરાતી સપાટીને સાફ કરે છે; પરંતુ દાંતની વચ્ચેની જગ્યાને સાફ કરવાનું ચૂંકશો નહીં! ઇન્ટરડેન્ટલ બ્રશનો દૈનિક ઉપયોગ એ ફ્લોસિંગનો એક સારો વિકલ્પ છે. ફ્લોસિંગ માત્ર એવી જગ્યામાં જ કરવામાં આવે છે જ્યાં ઇન્ટરડેન્ટલ બ્રશ ને જવાની જગ્યા ખૂબ સાંકડી હોય.

બ્રશિંગ અને ઇન્ટરડેન્ટલ ક્લિનિંગ એ ઉચ્ચ ગુણવત્તાની મૌખિક સ્વચ્છતા પ્રાપ્ત કરવા માટેનો પાયો છે. આ માટે બજારમાં કેટલાક વિશિષ્ઠ પ્રકારના બ્રશ - ઈંટરડેંટલ બ્રશ મળે છે. આપ તેનો ઉપયોગ ખાસ કરીને ખાધા પછી કરી શકો છો. જ્યારે તમે તમારા દાંત વચ્ચે સફાઈ કરવાનું શરૂ કરો છો ત્યારે, તમારા પેઢામાંથી લોહી નીકળતું જોઈ ગભરાશો નહિ. શરૂઆતમાં તેવું બની શકે છે. પરંતુ જો તમને થોડા દિવસોમાં કોઈ સુધારો જોવા ના મળે તો તમારા ડેન્ટલ પ્રોફેશનલનો સંપર્ક જરૂરથી કરશો.

ઇન્ટરડેન્ટલ બ્રશનો ઉપયોગ કરવાની પદ્ધતિ:- સૌ પ્રથમ તમારા માટે યોગ્ય સાઈઝ નું ઇન્ટરડેન્ટલ બ્રશ પસંદ કરો. બે દાંત વચ્ચે જગ્યા મોટી હોઈ તો વાઈડ (Wide size) અને ઓછી હોઈ તો નેરો (Narrow size). આ બ્રશ ને બે દાંત વચ્ચે નરમાશથી દાખલ કરો. હવે બ્રશને આ જગ્યામાં આગળ અને પાછળ ખસેડો. તેને દાંત ની સપાટી એ ઘસો. જરૂર જણાઈ તો સાઈઝ બદલો અને જયારે તેના તાંતણા નીકળવા માંડે એટલે બ્રશ ને બદલી નાખો.

ખાસ નોંધ- કેટલાક લોકો બે દાંત વચ્ચે ફસાયેલા ખાવાનાને કાઢવા માટે ટાંકણી, સેફટીપિન કે પછી ટૂથપિકનો ઉપયોગ કરે છે જે પાછળ જતા ખુબજ નુકસાનકારક સાબિત થઇ શકે છે. તે બે દાંત વચ્ચેનું પોલાણ વધારી શકે છે. જો આપ ડેન્ટલ ફ્લોસ વાપરવામાં મુશ્કેલી અનુભવતા હોઉ તો આપ બજારમાં મળતા "વોટર ફ્લોસર" નો ઉપયોગ કરી શકો છો. તે દાંત ઉપર પાણીનો દબાણપૂર્વક જેટ છોડી દાંત તથા પેઢાંને સાફ રાખવામાં મદદ કરે છે.

યાદ રાખશો કે જ્ઞાન એક ખજાનો છે પણ તેનો અભ્યાસ (પ્રેકટીસ) જ સાચી પુંજી છે. મારા લેખો વાંચીને આપને સારા-નરસાની જાણ થશે પરંતુ તેનો ફાયદો માત્ર આપેલી માહિતીનો અમલ કરવાથીજ મળશે. વ્યક્તિગત જરૂરિયાતો અને અવસ્થાનું મૂલ્યાંકન કરીને આપને આપવામાં આવતી સલાહ તથા સારવાર નું મહત્ત્વ આપણે આંકીએ તેટલું ઓછું છે. દર્દીએ એ પણ સમજવાનું રહ્યું કે રોગ સામે લડવામાં તબીબ તેની જ ટીમ નો એક ભાગ છે અને આ લડતને જીતવા માટે દરેક ટીમ મેમ્બર દ્વારા એકબીજાને સહકાર અને એકસમાન પ્રયત્ન અનિવાર્ય છે. શરીર ના દરેક અંગોને સમય સાથે ઘસારા લાગે છે તથા રોગોની અસર પણ પડે છે. શરીરરૂપી આ મશીનને પણ માવજત અને નિયમિતપણે સર્વિસિંગની જરૂર હોય છે. તેને ચુકી જતા લોકોને મોટું રિપેરીંગ આવી પડે તો નવાઈ નહીં!