Clinic 1: LP Savani Main Road Adajan Gam, Surat
Clinic 2: Makkai Pool, Nanpura, Surat

“સુંદરતા જોનારની આંખોમાં રહેલી છે” એ કહેવત તો આપને ખબર જ હશે. સૌંદર્યની આવશ્યકતા અથવા તેની જરૂરિયાત પ્રાચીન કાળથી અસ્તિત્વમાં છે. અગાઉ સુંદરતાની પરિભાષા પૂર્વજો દ્વારા નિર્ધારિત પરંપરાઓ અને ખાસ સમુદાય દ્વારા કરવામાં આવતી ધાર્મિક વિધિઓ પર આધારિત હતી. જયારે આજે સુંદરતાનાં ધોરણો મૂવી સ્ટાર્સ અથવા પ્રખ્યાત હસ્તીઓ દ્વારા સેટ કરવામાં આવે છે. તેઓ શું પહેરે છે અથવા તેમના દેખાવમાં આવેલા બદલાવને લાખો લોકો દ્વારા ઝડપથી અનુકરણ કરવામાં આવે છે. આજે, લોકો તેમના દેખાવ અને સ્મિત વિશે વધુને વધુ જાગૃત થઈ રહ્યા છે. તેઓ ઇચ્છિત સૌંદર્યલક્ષી દેખાવ, ફેશન સ્ટેટમેન્ટ બનાવવા અને ભીડમાં અજોડ રહેવા માટે બોડી આર્ટ અને કોસ્મેટિક ડેન્ટલ સારવાર જેવી વિવિધ સારવાર તરફ ઢળી રહ્યા છે. આનાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે.

આકર્ષક સ્માઈલ એ વ્યક્તિત્વનું એક મહત્વનું પાસું છે જેની બનાવટ વ્યક્તિની જરૂરિયાતો અને ઇચ્છાઓને અનુરૂપ હોવી જોઈએ. સમયાનુસાર દંત ચિકિત્સા પણ ઘણી બદલાય છે જેણે મૌખિક રોગો તથા તેમાં થતી પીડાને દૂર કરી લોકોને ખાતા કરવાના પ્રાથમિક ઉદ્દેશ્યથી લઈને બ્યુટિફિકેશન સુધીની લાંબી મુસાફરી કરી છે. પોર્સેલેઇન વિનિયરિંગ, બ્લીચિંગ અને દાંત ઉપર જ્વેલરી મૂકવા જેવી કોસ્મેટિક ડેન્ટલ સારવારની શોધ પછી, દર્દીઓના સ્મિતને વધુ આનંદદાયક, આકર્ષક અને સૌંદર્યલક્ષી બનાવવાનાં ઘણા વિકલ્પો મળ્યા છે.

આજકાલ દાંત ઉપર તથા મોઢાનાં કેટલાક ભાગોમાં વિવિધ આભૂષણો લગાડવામાં આવે છે જેમાં મુખ્યત્વે ગ્રીલ જ્વેલરી, ચમકીલી વિનિયર જ્વેલરી, દાંતની રિંગ અને સ્ટડ, જીભ, ગાલ કે પછી હોંઠ પર બેસાડવામાં આવતા સ્ટડ વગેરેનો સમાવેશ થાય છે. તે ચોક્કસપણે કોઈ નવો ખ્યાલ નથી, પરંતુ તે 2500BC (બીફોર ક્રાઈસ્ટ) જેટલા સમયથી અસ્તિત્વમાં છે. માયા સંસ્કૃતિના લોકો દાંતમાં ચોક્કસપણે તૈયાર કરેલા પોલાણમાં સુંદર કોતરણીયુક્ત પથ્થરની બનાવટોને બેસાડવામાં કુશળ હતા. રસપ્રદ વાત એ છે કે તે વખતનાં પુરુષોને સ્ત્રીઓ કરતા દાંતની સજાવટમાં વધુ રસ હતો.

ટૂથ જ્વેલરી - એ તમારા દાંતના આગળના ભાગ પર લગાવવામાં આવતું આભૂષણ છે જે તમારી સ્માઈલને આકર્ષક બનાવી આપના વ્યક્તિત્વને ફેશનેબલ બનાવે છે. મોટેભાગે તેનો ટ્રેન્ડ યુવાનો તથા સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. જ્વેલરી ને કાયમ માટે કે પછી પ્રાસંગિક ધોરણે લગાવી શકાય છે અને તેને લગાવવાની પ્રક્રિયા અત્યંત સરળ, ઝડપી અને પીડારહિત છે. વળી તેમાં દાંતને કાયમી નુકસાન થાય તેવી કોઈ ઈન્વેસિવ સારવાર પણ શામેલ નથી. આવા રત્નો અથવા સ્ફટિકો ખાસ પ્રસંગો જેવાકે નવરાત્રિ, જન્મદિવસ, લગ્નની તિથિ પર લગાવી પછીથી દૂર પણ કરી શકાય છે. બદલાતા ફેશન ટ્રેન્ડ મુજબ દર્દીઓ તેને સમયસર બદલવાની માંગણી પણ કરે છે. મોટેભાગે આવી બનાવટ નકલી હોય છે પરંતુ ઘણીવાર શોખીન લોકો દ્વારા અસલી હીરા કે પછી રંગબેરંગી રત્નોને બેસાડવાનું ઢળાણ પણ જોવા મળે છે. મોઢાનાં કોઈક ખૂણેથી ચમકી રહેલો હીરો, લાલ રૂબી અથવા વાદળી નીલમનો વિચાર માત્ર થી જ જો આનંદ અનુભવાતો હોય તો જરા વિચારી જુઓ કે તે પહેરનાર વ્યક્તિને તેનો કેટલો થનગનાટ હશે!

ટૂથ ટેટૂ: ટૂથ ટેટૂ વિવિધ પ્રકારની ડિઝાઇનને પોર્સેલેઇનના વિવિધ શેડ્સ લાગુ કરી સિરામિકની કેપ સાથે બેસાડવામાં આવે છે. તે વ્યક્તિગત રૂપે શણગાર અને બોડી ટેટૂનો વિકલ્પ છે. પરંતુ તે ઈન્વેસિવ પ્રક્રિયા છે જેમાં દાંત ઉપર કેપ બેસાડવા માટે દાંતને જરૂરિયાત મુજબ કાપવો પડે છે.

કુદરતી દાંતના આભૂષણ: પ્રાણીઓના દાંતનો ઉપયોગ પ્રાચીન સમયથી આભૂષણ તરીકે થતો હતો. શાર્ક, વાઘ અને હાથીઓ ના દાંત નો ઉપયોગ સામાન્ય રીતે જોયો છે પરંતુ આજે માનવ દાંત પણ પેન્ડન્ટ્સ અને આંગળીના રિંગ્સ સાથે જોડવામાં આવે છે. કેટલાક લોકો તો પોતાના દાંત ને ગોલ્ડ પ્લેટિંગ કરાવી પેન્ડન્ટ તરીકે પણ પહેરે છે. એક માતાએ તો તેના બાળકોના દૂધના દાંતને ઝવેરાતમાં રૂપાંતરિત કરાવ્યા હતા.

માનવામાં આવે છે કે દાંતના આભૂષણો દેખાવને વધારે છે અને આમ કરવાથી દર્દીનો આત્મવિશ્વાસ વધે છે. અમે સામાન્ય રીતે દાંતના આભૂષણો ની સલાહ માત્ર એવી વ્યક્તિને આપીએ છીએ જે તેમની મૌખિક સ્વચ્છતા સારી રીતે જાળવી શકે. દંત ચિકિત્સકો સામાન્ય રીતે દર્દીઓ સાથે આ સારવાર સંભવિત જોખમો, તેમજ સ્વચ્છતા અને સંચાલન માટેની ભલામણો ની ચર્ચા કર્યા પછી જ તેને લગાવે છે. હું અંગત રીતે હોઠ, ગાલ અથવા જીભ વેધીને જવેલરીને બેસાડવાની તરફેણમાં નથી કારણ કે તેમાં ચેપ લાગવાનું જોખમ સંકળાયેલ છે. ડેન્ટલ જ્વેલરી પહેરેલા દર્દીઓએ નિયમિત રીતે ડેન્ટલ ચેક-અપ કરાવવું પડે છે.